ભારતમાં હવાઈ મુસાફરીને વધુ કિફાયતી બનાવવા માટે દેશની બે મુખ્ય એરલાઇન કંપનીઓ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ મુસાફરો માટે નવા બેઝ-લેવલ ભાડા વિકલ્પો રજૂ કર્યા છે. પશ્ચિમ એશિયા સંકટ બાદ છેલ્લા ચાર મહિનામાં કામગીરી ખર્ચ વધતાં હવાઈ મુસાફરી મોંઘી બની હતી.
ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ મુસાફરો માટે 'IndiGo Lite Fare' નામનો નવો અને કિફાયતી ભાડા વિકલ્પ લોન્ચ કર્યો છે. આ નવી ભાડા શ્રેણી ખાસ કરીને એવા મુસાફરો માટે તૈયાર કરવામાં આવી છે, જે માત્ર કેબિન બેગેજ સાથે મુસાફરી કરે છે અને ચેક-ઇન બેગેજ અથવા ઇન-ફ્લાઇટ ભોજન જેવી વધારાની સેવાઓની જરૂરિયાત રાખતા નથી. આ નવી સુવિધા હેઠળ ઘરેલુ ઉડાનોમાં પ્રતિ ટિકિટ રૂ. 300 થી 400 સુધીની બચત થઈ શકે છે.
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે વૈશ્વિક સ્તરે વધતા કામગીરી ખર્ચ, ઇંધણના ભાવ અને ભૂરાજકીય પરિસ્થિતિઓને કારણે વિમાનન ઉદ્યોગ દબાણનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એરલાઇન્સ મુસાફરોને તેમની જરૂરિયાત મુજબ સેવાઓ પસંદ કરવાની સુવિધા આપીને વધુ લવચીક અને કિફાયતી મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવા તરફ કાર્ય કરી રહી છે.
ઇન્ડિગોએ જણાવ્યું છે કે 'IndiGo Lite Fare' 15 જુલાઈથી શરૂ થનારી મુસાફરી માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં આ શ્રેણીની બુકિંગ માત્ર એરલાઇનની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ જેવા ડાયરેક્ટ પ્લેટફોર્મ દ્વારા જ કરી શકાશે. આ ભાડા વિકલ્પ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય નોન-સ્ટોપ ઉડાનોમાં વન-વે, રાઉન્ડ-ટ્રિપ અને મલ્ટી-સિટી બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ સુવિધા પુખ્ત વયના તેમજ બાળકોના ટિકિટ પર પણ લાગુ પડશે.

'IndiGo Lite Fare' ખાસ કરીને એવા મુસાફરો માટે લાભદાયી છે, જે માત્ર 7 કિલોગ્રામ સુધીના કેબિન બેગ સાથે મુસાફરી કરે છે અને જેમને ચેક-ઇન લગેજની જરૂરિયાત નથી. એરલાઇનના જણાવ્યા અનુસાર, આ મોડલનો હેતુ મુસાફરોને માત્ર તેઓ ઉપયોગમાં લેતી સેવાઓ માટે જ ચૂકવણી કરવાનો વિકલ્પ આપવાનો છે. તેના પરિણામે મુસાફરીનો કુલ ખર્ચ ઘટશે અને મુસાફરોને પોતાના બજેટ મુજબ ટિકિટ પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળશે.
આ ભાડા શ્રેણીમાં ચેક-ઇન બેગેજ અને ભોજન જેવી સુવિધાઓનો સમાવેશ નહીં થાય. જોકે, બુકિંગ બાદ અને ઉડાન પ્રસ્થાન પહેલાં સુધી મુસાફરો વધારાની ફી ચૂકવીને ચેક-ઇન બેગેજ, ભોજન અથવા અન્ય સેવાઓ ઉમેરવાની સુવિધાનો લાભ લઈ શકશે.
ઇન્ડિગો પહેલાં એર ઇન્ડિયાએ પણ ઘરેલુ મુસાફરો માટે નવી 'Basic' ભાડા શ્રેણી શરૂ કરી છે. આ ભાડા હેઠળ એવા મુસાફરો લાભ લઈ શકે છે, જે ઉડાન દરમિયાન ભોજન લેવા ઇચ્છતા નથી. એર ઇન્ડિયાના નવા બેસિક ભાડામાં 15 કિલોગ્રામ ચેક-ઇન બેગેજ, 7 કિલોગ્રામ કેબિન બેગેજ અને ચા અથવા કોફી જેવી મફત પીણાંની સુવિધા આપવામાં આવે છે. ભોજનનો સમાવેશ ન હોવાથી મુસાફરોને પ્રતિ ટિકિટ અંદાજે રૂ. 300 થી 700 સુધીની બચત થઈ શકે છે.
વિશ્વભરની ઘણી એરલાઇન્સ છેલ્લા કેટલાક વર્ષોથી 'Unbundled Fare' મોડલ અપનાવી રહી છે. આ મોડલ હેઠળ ટિકિટની મૂળ કિંમત ઓછી રાખવામાં આવે છે અને ચેક-ઇન બેગેજ, ભોજન, સીટ પસંદગી અથવા પ્રાથમિક બોર્ડિંગ જેવી વધારાની સેવાઓ માટે અલગથી શુલ્ક લેવામાં આવે છે.










