ઇટાલીની સંસદે નવા શિક્ષણ કાયદાને મંજૂરી આપી છે. આ કાયદા હેઠળ શાળાઓમાં ચહેરો ઢાંકતા બુર્કા અને નિકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમજ પ્રથમ ધોરણમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ 30 ટકા સુધી મર્યાદિત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઇટાલીની સંસદના નીચલા ગૃહ ચેમ્બર ઑફ ડેપ્યુટીઝમાં નવા શિક્ષણ કાયદાના સમર્થનમાં 142 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે 112 સાંસદોએ તેનો વિરોધ કર્યો. ચાર સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. આ પહેલાં 20 નવેમ્બરે સેનેટે પણ આ કાયદાને મંજૂરી આપી હતી.
આ શિક્ષણ કાયદો ડેક્રેટો સ્કુઓલા (Decreto Scuola) તરીકે ઓળખાય છે. તે 30 સપ્ટેમ્બર 2026ના ડિક્રી-લૉ નંબર 170નો ભાગ છે.
કાયદામાં શૈક્ષણિક વર્ષ 2026-27ના સંચાલન, વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક શિક્ષણ વ્યવસ્થામાં સામેલ કરવા અને નેશનલ રિકવરી એન્ડ રેઝિલિયન્સ પ્લાન (PNRR) હેઠળ શરૂ કરવામાં આવેલી યોજનાઓ સંબંધિત જોગવાઈઓ પણ સામેલ છે.
વિદેશી મૂળના તમામ વિદ્યાર્થીઓ 30 ટકાની મર્યાદામાં સામેલ નહીં થાય. નવા નિયમો હેઠળ ઇટાલિયન ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓને આ મર્યાદામાંથી છૂટ આપવામાં આવી છે.
સરકારે વિદેશી માતા-પિતા માટે પણ ભાષા તાલીમની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરી છે. જે બાળકોને ઇટાલીની શિક્ષણ વ્યવસ્થા અને સ્થાનિક વાતાવરણમાં અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડે છે, તેમના માતા-પિતા માટે ઇટાલિયન ભાષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે.
ઇટાલીની શાળાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાનો મુદ્દો અગાઉ પણ સામે આવ્યો હતો. 2010માં તત્કાલીન શિક્ષણમંત્રી મારિયાસ્ટેલા ગેલ્મિનીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તેમાં પણ બિન-ઇટાલિયન વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા સુધી રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી.
![]()
જોકે, અનેક વિસ્તારોમાં આ નિયમનો અમલ કરવો મુશ્કેલ રહ્યો હતો. ખાસ કરીને મોટા શહેરોના બહારના વિસ્તારોમાં વિદેશી મૂળના પરિવારોની વસ્તી અને સ્થાનિક વસ્તી સંબંધિત પરિસ્થિતિઓને કારણે નિર્ધારિત મર્યાદાનું પાલન કરવામાં મુશ્કેલી આવી હતી.
શાળાઓમાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધના નિર્ણયથી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના બુર્કા અને નિકાબ પહેરવા પર પણ પ્રતિબંધ લાગશે. વિપક્ષી પક્ષોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
વિપક્ષનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થામાં આવા પ્રતિબંધો ભેદભાવને પ્રોત્સાહન આપે છે. નીચલા ગૃહમાં અંતિમ મતદાન દરમિયાન વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન સાંસદોએ એક પ્લેકાર્ડ દર્શાવ્યું હતું, જેના પર લખ્યું હતું કે શાળામાં કોઈ વિદેશી નથી.
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ વર્ષની શરૂઆતમાં શિક્ષણ સંબંધિત ફેરફારો માટે કાયદો લાવવાની જાહેરાત કરી હતી. તેમની પાર્ટી બ્રધર્સ ઑફ ઇટાલીના યુવા સંગઠન જિયોવેંતુ નાઝિઓનાલેની એક રેલીમાં તેમણે પ્રસ્તાવિત નિયમોનું સમર્થન કર્યું હતું.
મેલોનીએ કહ્યું હતું કે એવી સ્થિતિ સ્વીકારી શકાય નહીં, જેમાં ઇટાલિયન બાળકો પોતાના જ દેશની શાળાઓમાં લઘુમતી હોવાને કારણે અલગ-થલગ અનુભવે. તેમણે વિદેશી મૂળના બાળકો અને તેમના માતા-પિતા માટે ઇટાલિયન ભાષા શીખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.




