જાપાનની વડાપ્રધાન સાને તાકાઇચીની ભારત મુલાકાત દરમિયાન વેપાર રક્ષા અને સ્થાનિક ચલણમાં વેપાર સહિત વ્યૂહાત્મક મુદ્દાઓ પર થશે ચર્ચા

જાપાનની વડાપ્રધાન સાને તાકાઇચીની ત્રણ દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 16મી ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠક યોજાશે, જેમાં વેપાર, રક્ષા, સેમિકન્ડક્ટર, AI, સપ્લાય ચેઇન, સ્થાનિક ચલણમાં વેપાર અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સહકાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

ભારતના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે જાપાનની વડાપ્રધાન સાને તાકાઇચી બુધવારે સાંજે નવી દિલ્હીમાં પહોંચ્યા. વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે. 2 જુલાઈએ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 16મી ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન બંને દેશો તેમની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરશે તથા ભવિષ્યના સહકારની દિશા પર ચર્ચા કરશે.

શિખર બેઠકમાં વેપાર, રોકાણ, રક્ષા, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સપ્લાય ચેઇન, સમુદ્રી સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સહકાર સહિત અનેક વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન તાકાઇચી ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં જાપાનના 150થી વધુ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો હાજરી આપશે. બંને દેશોની સરકારો આ મંચ મારફતે રોકાણમાં વધારો, વેપારી સહકારને મજબૂત બનાવવો અને નવી ઔદ્યોગિક ભાગીદારીઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાશે.

બેઠક દરમિયાન હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારવા અંગે ચર્ચા થવાની સંભાવના છે. ભારત સરકારનું માનવું છે કે જાપાની રોકાણ ભારતના ઉત્પાદન ક્ષેત્ર અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

શિખર બેઠકનો એક મહત્વપૂર્ણ મુદ્દો ભારત અને જાપાન વચ્ચે સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવાનો છે. બંને દેશો એવી વ્યવસ્થા વિકસાવવા પર કાર્ય કરી રહ્યા છે જેના હેઠળ વેપારી ચુકવણીઓ સીધી ભારતીય રૂપિયા અને જાપાની યેનમાં થઈ શકે. આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળ્યા બાદ બંને દેશો વચ્ચેના વેપારમાં અમેરિકન ડોલર પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

નવી વ્યવસ્થા હેઠળ જાપાની કંપનીઓ ભારતની બેંકોમાં વિશેષ ખાતા ખોલીને સીધી રૂપિયા અને યેનમાં ચુકવણી કરી શકશે. તેનાથી વિદેશી ચલણ વિનિમયનો ખર્ચ ઘટશે, ચુકવણી પ્રક્રિયા ઝડપી બનશે અને કંપનીઓનો સમય તથા ખર્ચ બંનેમાં ઘટાડો થશે.

સ્થાનિક ચલણમાં વેપારનો પ્રસ્તાવ પ્રથમ વખત ઓગસ્ટ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત દરમિયાન રજૂ થયો હતો. તે સમયે બંને દેશોએ આગામી દસ વર્ષ માટેનું સંયુક્ત વિઝન દસ્તાવેજ જાહેર કર્યું હતું, જેમાં ચુકવણી પ્રણાલીને મજબૂત બનાવવાની અને સ્થાનિક ચલણમાં વેપાર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

હવે જાપાનનું નાણાં મંત્રાલય નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે સહકાર કરાર પર કાર્ય કરી રહ્યું છે, જેથી આ વ્યવસ્થાને સત્તાવાર રીતે અમલમાં મૂકી શકાય.

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રૂપિયાના આંતરરાષ્ટ્રીય ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પગલાં લઈ રહ્યું છે. જુલાઈ 2022માં ભારતીય રિઝર્વ બેંકે સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો અકાઉન્ટ (SRVA) વ્યવસ્થા શરૂ કરી હતી, જેના હેઠળ વિદેશી બેંકો ભારતીય બેંકોમાં વિશેષ ખાતા ખોલીને રૂપિયામાં વેપાર કરી શકે છે.

સરકારી આંકડા મુજબ અત્યાર સુધી 30 દેશોના 123 વિદેશી બેંકો માટે ભારતની 26 બેંકોમાં 156 વિશેષ રૂપિયા વોસ્ટ્રો ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આ વ્યવસ્થાનો હેતુ વિદેશી ચલણ પરની નિર્ભરતા ઘટાડવાનો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાની સ્વીકાર્યતા વધારવાનો છે.નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારત અને જાપાન વચ્ચે લગભગ 27.5 અબજ અમેરિકન ડોલરનો દ્વિપક્ષીય વેપાર નોંધાયો હતો. એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન જાપાને ભારતમાં 3.2 અબજ અમેરિકન ડોલરનું સીધું વિદેશી રોકાણ કર્યું હતું.

જાપાને આગામી દસ વર્ષમાં ભારતમાં 61 અબજ અમેરિકન ડોલરથી વધુનું રોકાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ રોકાણ મુખ્યત્વે સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઊર્જા, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટેકનોલોજી અને રક્ષા ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. હાલમાં ભારતમાં લગભગ 1,400 જાપાની કંપનીઓ કાર્યરત છે, જેમાંથી મોટી સંખ્યામાં કંપનીઓ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે.

ભારત અને જાપાન વચ્ચેનું સહકાર માત્ર વેપાર પૂરતું મર્યાદિત નથી. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના સહકારનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે, જેમાં જાપાન નાણાકીય સહાય અને શિનકાનસેન ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

તે ઉપરાંત બંને દેશો સેમિકન્ડક્ટર ઉત્પાદન, મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય, ક્લીન એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રક્ષા ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધારી રહ્યા છે. ચીન પર વૈશ્વિક સપ્લાય ચેઇનની નિર્ભરતા ઘટાડવાના હેતુથી બંને દેશોએ 2025માં સેમિકન્ડક્ટર અને ક્રિટિકલ મિનરલ્સ અંગે વિશેષ વ્યૂહાત્મક સંવાદ શરૂ કર્યો હતો.

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન તાકાઇચી વચ્ચેની ચર્ચામાં હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા પણ મુખ્ય એજન્ડા રહેશે. બંને નેતાઓ સ્વતંત્ર અને નિયમ આધારિત સમુદ્રી વ્યવસ્થાને મજબૂત બનાવવી, સમુદ્રી સુરક્ષા વધારવી અને ક્વાડ હેઠળના સહકારને આગળ વધારવા અંગે ચર્ચા કરશે.

આ ઉપરાંત રક્ષા સહકાર, સંયુક્ત સૈન્ય અભ્યાસ, સાયબર સુરક્ષા, અદ્યતન ટેકનોલોજી અને પ્રાદેશિક સ્થિરતા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

 

Leave a comment