ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ જેન્સન હુઆંગ ફરી બન્યા એનવિડિયાના CEO

જેન્સન હુઆંગે 11 દિવસ બાદ ફરી એનવિડિયાના CEO તરીકેની જવાબદારી સંભાળી છે. ટ્રમ્પ અને જે.ડી. વેન્સના હસ્તક્ષેપ બાદ બોર્ડે નિર્ણય બદલ્યો, જ્યારે કંપનીના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો.

એનવિડિયાના સહ-સ્થાપક જેન્સન હુઆંગે 11 દિવસ બાદ ફરીથી CEO તરીકેની જવાબદારી સંભાળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જે.ડી. વેન્સના હસ્તક્ષેપ બાદ કંપનીના બોર્ડે પોતાનો નિર્ણય બદલ્યો છે.

વિશ્વની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપની એનવિડિયામાં નેતૃત્વને લઈને ચાલી રહેલું સંકટ હાલ પૂરતું સમાપ્ત થયું છે. કંપનીએ સોમવાર, 23 નવેમ્બરના રોજ જેન્સન હુઆંગની ફરીથી CEO તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. તેમની વાપસીમાં વ્હાઇટ હાઉસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું સામે આવ્યું છે. આ જાહેરાત બાદ અમેરિકાના શેરબજારમાં એનવિડિયાના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

એનવિડિયાના બોર્ડે જેન્સન હુઆંગને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ઉપરાંત કંપનીના અધ્યક્ષ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકેની જવાબદારી પણ ફરી સોંપી છે. અંગત સંબંધોને લગતા વિવાદના અહેવાલો સામે આવ્યા બાદ હુઆંગે 12 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કંપનીના ભવિષ્ય અને AI બિઝનેસને લઈને રોકાણકારોમાં અનિશ્ચિતતા ઊભી થઈ હતી.

જેન્સન હુઆંગ લાંબા સમયથી એનવિડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. કંપનીને વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓમાં સ્થાન અપાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના રાજીનામા બાદ સિલિકોન વેલીના અનેક ઉદ્યોગપતિઓ પણ તેમની પુનઃનિમણૂકના સમર્થનમાં સામે આવ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એનવિડિયાના બોર્ડના સભ્યોનો સંપર્ક કરીને જેન્સન હુઆંગને ફરીથી CEO બનાવવાનો આગ્રહ કર્યો હતો. ટ્રમ્પને આશંકા હતી કે કંપનીના નેતૃત્વમાં અચાનક થયેલા ફેરફારની અસર અમેરિકાના શેરબજાર અને દેશની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ જેન્સન હુઆંગ ફરી બન્યા એનવિડિયાના CEO

ચીન સાથે ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધી રહેલી સ્પર્ધા પણ આ નિર્ણય પાછળનું એક મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે AI ક્ષેત્રમાં અમેરિકાનું મજબૂત સ્થાન જાળવી રાખવામાં જેન્સન હુઆંગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.

CNNના અહેવાલ મુજબ, ટ્રમ્પે ઉપપ્રમુખ જે.ડી. વેન્સને એનવિડિયાના બોર્ડ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપી હતી. વેન્સે લગભગ 72 કલાક સુધી હુઆંગ અને બોર્ડના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. આ વાતચીતમાં અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને નાણામંત્રી સ્કોટ બેસેન્ટ પણ સામેલ થયા હતા.

જેન્સન હુઆંગના રાજીનામાનું કારણ તેમના અંગત સંબંધો અંગે સામે આવેલા અહેવાલો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલોમાં એનવિડિયાની એક કર્મચારી અને મેગાસ્પીડ કંપનીની અધિકારી એલિસ હુઆંગનું નામ સામે આવ્યું હતું.

અમેરિકાના અધિકારીઓને આશંકા હતી કે મેગાસ્પીડ મારફતે એનવિડિયાની અદ્યતન ચિપ્સ ચીન સુધી પહોંચાડી શકાય છે. એલિસ હુઆંગના કથિત ચીની ગુપ્તચર સંપર્કોને લઈને પણ સવાલો ઊભા થયા હતા. જોકે, આ આરોપોને સાબિત કરતા નક્કર પુરાવા સામે આવ્યા નથી.

જેન્સન હુઆંગની વાપસી છતાં એનવિડિયાના બોર્ડ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત આંતરિક તપાસ ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ, અહેવાલો અનુસાર અમેરિકાના વાણિજ્ય વિભાગે મેગાસ્પીડને પ્રતિબંધિત કંપનીઓની એન્ટિટી લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

જેન્સન હુઆંગની વાપસીની જાહેરાત બાદ અમેરિકાના શેરબજારમાં ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં મોટા પાયે ખરીદી જોવા મળી હતી. એનવિડિયાના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. અહેવાલો અનુસાર, એક જ ટ્રેડિંગ સત્રમાં કંપનીના બજારમૂલ્યમાં આશરે 952 અબજ ડોલરનો વધારો થયો હતો.

નાસ્ડેક કમ્પોઝિટમાં પણ 6.51 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ફોર્બ્સના અહેવાલ અનુસાર, જેન્સન હુઆંગની કુલ સંપત્તિ વધીને આશરે 143 અબજ ડોલર થઈ ગઈ છે.

જોકે, CEO પદ પર પાછા ફર્યા બાદ પણ હુઆંગ સામેના પડકારો યથાવત્ છે. આગામી સેનેટ બેન્કિંગ કમિટીની સુનાવણી દરમિયાન તેમને ચીનમાં ચિપની નિકાસ, કંપનીની વ્યાપારી નીતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સવાલોનો સામનો કરવો પડી શકે છે.

 

Leave a comment