ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે કર્ણાટકના પ્રવાસે જશે, જ્યાં તેઓ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ ધરાવતા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ મંડ્યા જિલ્લામાં સ્થિત શ્રી ક્ષેત્ર આદિચુંચનગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન છે, જે સવારે આશરે 11.30 વાગ્યે યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત પણ કરશે.
પ્રધાનમંત્રીના કર્ણાટક પહોંચતા જ બેંગલુરુના HAL એરપોર્ટ પર રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેઓ મંડ્યા જિલ્લાના શ્રી ક્ષેત્ર આદિચુંચનગિરી માટે રવાના થશે, જ્યાં મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ મંદિર શ્રી શ્રી શ્રી બાલગંગાધરનાથ મહાસ્વામીજીની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે, જેઓ આદિચુંચનગિરી મઠના 71મા પીઠાધીશ્વર હતા. પરંપરાગત દ્રવિડ શૈલીમાં નિર્મિત આ મંદિર સ્વામીજીના જીવન, તેમના આધ્યાત્મિક યોગદાન અને સમાજસેવાને સમર્પિત છે. સ્વામીજી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણ ક્ષેત્રોમાં તેમના કાર્યો માટે જાણીતા રહ્યા છે.
![]()
પ્રધાનમંત્રીના આ પ્રવાસ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી એચ. ડી. દેવેગૌડા સાથે વિશેષ પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે. આ પ્રસંગે ‘સૌંદર્ય લહરી’ અને ‘શિવ મહિમ્ના સ્તોત્રમ્’ જેવા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગ્રંથોનું વિમોચન કરવામાં આવશે.
કર્ણાટક પ્રવાસ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેના એક ભાગનું ઉદ્ઘાટન કર્યું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આશરે 213 કિલોમીટર લાંબા આ છ-લેન એક્સપ્રેસવેનો નિર્માણ લગભગ ₹12,000 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનો મુસાફરી સમય 5-6 કલાકમાંથી ઘટીને આશરે 2-2.5 કલાક રહેશે. આ માર્ગ ઉત્તર પ્રદેશના બાગપત, બડૌત, શામલી અને સહારનપુર જેવા શહેરોને જોડે છે અને પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવે છે.







