WPL 2026માં RCBએ યુપી વોરિયર્સને 9 વિકેટે હરાવ્યા

WPL 2026માં RCBએ યુપી વોરિયર્સને 9 વિકેટે હરાવ્યા

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026ના સોમવારે ડી વાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલા પાંચમા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બेंગલુરુ (RCB)એ યુપી વોરિયર્સને 9 વિકેટે હરાવ્યા.

ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર RCBએ નિયંત્રિત પ્રદર્શન દ્વારા યુપી વોરિયર્સને 20 ઓવરમાં 143/5 સુધી મર્યાદિત રાખ્યા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની શરૂઆત નબળી રહી હતી અને ટીમે 50 રન સુધી પહોંચતા પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેગ લેનિંગ 14 રન બનાવીને આઉટ થઈ, જ્યારે હરલિન દેઓલ 11 અને કિરણ નવગિરે 5 રન પર પેવેલિયન પરત ફર્યા.

છઠ્ઠી વિકેટ માટે દીપ્તિ શર્મા અને ડિન્ડ્રા ડોટિને 93 રનની અણનમ ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી. દીપ્તિ શર્માએ 35 બોલમાં અણનમ 45 રન બનાવ્યા, જ્યારે ડોટિને 37 બોલમાં 40 રન ઉમેર્યા. આ ભાગીદારીના કારણે યુપી વોરિયર્સ 143/5નો સ્કોર ઉભો કરી શકી.

RCB તરફથી શ્રેયંકા પાટિલ અને નાદિન ડી ક્લાર્કે 2-2 વિકેટ ઝડપી. લોરેન બેલે 4 ઓવરમાં 16 રન આપી 1 વિકેટ લીધી.

144 રનના લક્ષ્યના પીછો કરવા ઉતરેલી RCBની શરૂઆત ઝડપી રહી. સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસની ઓપનિંગ જોડીએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું. છઠ્ઠા ઓવરમાં ગ્રેસ હેરિસે ડિન્ડ્રા ડોટિનના એક જ ઓવરમાં 32 રન બનાવ્યા, જેના કારણે WPL ઇતિહાસના સૌથી મોંઘા ઓવરના રેકોર્ડની બરાબરી થઈ.

ગ્રેસ હેરિસે 22 બોલમાં અર્ધશતક પૂર્ણ કર્યું અને 40 બોલમાં 85 રનની ઇનિંગ્સ રમેલી. સ્મૃતિ મંધાનાએ સ્થિર બેટિંગ કરી. RCBએ માત્ર એક વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યું અને મુકાબલો 9 વિકેટે જીત્યો.

 

 

Leave a comment