ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલે 35 વર્ષની વયે વ્યાવસાયિક બેડમિંટનમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા બે વર્ષથી ગંભીર ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહેલી સાઇનાએ જણાવ્યું કે હવે તેમનું શરીર આંતરરાષ્ટ્રીય સ્તરના દબાણને સહન કરવા સક્ષમ નથી.
તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન વાતચીતમાં સાઇનાએ કહ્યું હતું કે તેમણે લગભગ બે વર્ષ પહેલાંથી જ સ્પર્ધાત્મક બેડમિંટન રમવું લગભગ બંધ કરી દીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે કારકિર્દીની શરૂઆત જેમ પોતાના શરતો પર કરી હતી, તેમ નિવૃત્તિનો નિર્ણય પણ તેમણે પોતે જ લીધો છે અને તેથી કોઈ ઔપચારિક પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર લાગી નહોતી.
સાઇનાએ જણાવ્યું કે જ્યારે ખેલાડી શારીરિક રીતે રમવા સક્ષમ ન હોય, ત્યારે હકીકત સ્વીકારવી વધુ યોગ્ય હોય છે. તેમણે કહ્યું કે જો તમે રમવા લાયક ન હોવ, તો ત્યાં જ વાત પૂરી થઈ જાય છે.
નિવૃત્તિ પાછળનું મુખ્ય કારણ સમજાવતા સાઇનાએ જણાવ્યું કે તેમના ઘૂંટણોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે. કાર્ટિલેજ સંપૂર્ણપણે ઘસાઈ જવાથી તેમને આર્થરાઇટિસ થયું છે. આ પરિસ્થિતિ વિશે તેમણે પોતાના માતા-પિતા અને કોચ સાથે ચર્ચા કરી હતી અને સૌને સમજ હતું કે આગળ રમવું તેમના માટે અત્યંત મુશ્કેલ બની ગયું હતું.
![]()
તેમણે વધુમાં કહ્યું કે તેઓ ધીમે ધીમે રમતથી દૂર થતી ગઈ હતી અને લોકો પોતે જ સમજી ગયા હતા કે તેઓ હવે કોર્ટ પર દેખાતી નથી. એક ટોચની બેડમિંટન ખેલાડી તરીકે રહેવા માટે દરરોજ 8થી 9 કલાકની કઠોર ટ્રેનિંગ જરૂરી હોય છે, પરંતુ તેમના માટે હવે આ શક્ય નહોતું. સાઇનાએ જણાવ્યું કે તેમના ઘૂંટણો હવે 1થી 2 કલાકની ટ્રેનિંગ પણ સહન કરી શકતા નહોતા અને થોડા જ પ્રયત્ન બાદ સોજો આવી જતો હતો, જેના કારણે આગળ પોતાને ધકેલવું દુખદાયક અને જોખમી બનતું હતું.
સાઇના નેહવાલે લંડન ઓલિમ્પિક 2012માં કાંસ્ય પદક જીતીને ઇતિહાસ રચ્યો હતો અને તેઓ ઓલિમ્પિક પદક જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી બની હતી. તેઓ વિશ્વ રેન્કિંગમાં નંબર-1 સ્થાન હાંસલ કરનારી પણ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી રહી હતી.
2016 રિયો ઓલિમ્પિક દરમિયાન લાગેલી ગંભીર ઘૂંટણની ઇજાએ તેમની કારકિર્દી પર અસર કરી હતી. તેમ છતાં, તેમણે 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં સોનુ પદક જીતીને વાપસી કરી હતી. સતત વધી રહેલી ઘૂંટણની સમસ્યાઓને કારણે તેમની રમતમાં સતતતા અસરગ્રસ્ત રહી. સાઇનાએ પોતાનું છેલ્લું સ્પર્ધાત્મક મેચ સિંગાપુર ઓપન 2023માં રમ્યું હતું અને વર્ષ 2024માં જાહેર રીતે જણાવ્યું હતું કે ઘૂંટણોમાં આર્થરાઇટિસ હોવાના કારણે હાઈ-લેવલ ટ્રેનિંગ લગભગ અશક્ય બની ગયું છે.






