નવા વર્ષમાં ભારતીય ગ્રાહકો માટે ટીવી ખરીદવું મોંઘું થઈ શકે છે. ઉદ્યોગના સૂત્રો અનુસાર, જાન્યુઆરીથી LED અને સ્માર્ટ ટીવીની કિંમતોમાં 3 થી 10 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે. રૂપિયાની નબળાઈ અને મેમરી ચિપ્સની અછત મુખ્ય કારણો છે, જે મિડ અને બજેટ સેગમેન્ટને સૌથી વધુ અસર કરી શકે છે.
TV Price Hike in India: નવા વર્ષની શરૂઆતથી LED અને સ્માર્ટ ટીવીની કિંમતો ભારતમાં વધી શકે છે. ઉદ્યોગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2026થી ટીવીની કિંમતોમાં 3 થી 10 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ્સની અછત અને ડોલર સામે રૂપિયાની નબળાઈ છે. ખાસ કરીને મિડ અને બજેટ સેગમેન્ટના ગ્રાહકો આ વધારાથી પ્રભાવિત થઈ શકે છે, કારણ કે ભારતમાં મોટાભાગના ટીવી પાર્ટ્સ આયાત કરવામાં આવે છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર નિર્ભરતા વધારે છે.
આયાત પર નિર્ભર છે ટીવી ઉદ્યોગ
ભારતમાં બનેલા LED ટીવીમાં માત્ર 30 ટકા જ સ્થાનિક વેલ્યુ એડિશન હોય છે. બાકીના મહત્વપૂર્ણ ભાગો જેવા કે ઓપન સેલ, સેમિકન્ડક્ટર ચિપ અને મધરબોર્ડ વિદેશથી આયાત કરવામાં આવે છે. રૂપિયાની નબળાઈ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધની સીધી અસર ટીવીની કિંમત પર પડે છે.
આ કારણોસર મિડ અને બજેટ સેગમેન્ટમાં ગ્રાહકોને કિંમતોમાં વધારાની સીધી અસર જોવા મળી શકે છે. તાજેતરમાં GST ઘટ્યા બાદ માંગમાં તેજી આવી હતી, પરંતુ હવે આ વધારો માંગને અસર કરી શકે છે.

મેમરી ચિપ્સની ભારે અછત
સમગ્ર વિશ્વમાં મેમરી ચિપ્સની અછતને કારણે ટીવી કંપનીઓની કિંમત વધી રહી છે. AI સર્વર્સ અને હાઇ-બેન્ડવિડ્થ મેમરીની વધતી માંગને કારણે ચિપ્સની સપ્લાય ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે ઘટી ગઈ છે. આના કારણે DRAM અને ફ્લેશ મેમરીની કિંમતોમાં વધારો થયો છે.
કંપનીઓ માટે આ પડકાર મોટો છે, કારણ કે નબળો રૂપિયો અને વધતી ચિપની કિંમતો એકસાથે ઉત્પાદન ખર્ચ પર દબાણ લાવી રહી છે.
કંપનીઓની ચેતવણી
Haier Appliances Indiaના પ્રેસિડેન્ટ એન.એસ. સતીશ જણાવે છે કે કંપનીઓ આ વધેલા ખર્ચનો બોજ સહન કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. પીટીઆઈની રિપોર્ટ મુજબ, LED ટીવીની કિંમતોમાં લગભગ 3 ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે અને ઘણી કંપનીઓએ ડીલર્સને આની માહિતી પહેલાથી જ આપી દીધી છે.













