ડલાસમાં રમાયેલી ICC Men's Cricket World Cup League 2ની મેચમાં USAએ સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે 330 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરીને 6 વિકેટે જીત મેળવી. UAEએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટે 330 રન બનાવ્યા હતા. USAએ 48.5 ઓવરમાં 331 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું અને વનડે ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો.
USAની જીતમાં ભારતીય મૂળના બેટ્સમેન મિલિંદ કુમારે મહત્વની ભૂમિકા ભજવી. તેમણે 84 બોલમાં અણનમ 116 રન બનાવ્યા, જેમાં પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. આ વનડે ક્રિકેટમાં મિલિંદની પાંચમી સદી છે.
મિલિંદે શરૂઆતમાં ઇનિંગ્સને સંભાળી અને ત્યારબાદ રન બનાવવાની ગતિ વધારી હતી. તેમની ઇનિંગ્સના અંત સુધી તેઓ ક્રિઝ પર રહ્યા અને USAને જીત સુધી પહોંચાડ્યું.
મિલિંદ કુમારને શુભમ રંજાનેનો સાથ મળ્યો. રંજાનેએ અણનમ 57 રન બનાવ્યા. બંનેએ પાંચમી વિકેટ માટે અણનમ 160 રનની ભાગીદારી કરી. USA મુશ્કેલ સ્થિતિમાં હતું ત્યારે આ ભાગીદારીએ મેચનું પરિણામ બદલ્યું. બંનેએ ઇનિંગ્સના અંત સુધી બેટિંગ કરીને USAને 7 બોલ બાકી રહેતાં લક્ષ્ય સુધી પહોંચાડ્યું.

મેચ દરમિયાન મિલિંદ કુમારે USA માટે પુરુષ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી. પાંચ છગ્ગા સાથે તેમના વનડેમાં કુલ છગ્ગાની સંખ્યા 38 થઈ ગઈ છે.
મિલિંદે મોનાંક પટેલને પાછળ છોડી દીધા છે, જેમના નામે 34 છગ્ગા છે. એરોન જોન્સ 32 છગ્ગા સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
330 રનના લક્ષ્યનો પીછો USAના વનડે ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ પહેલાં USAનો સૌથી મોટો સફળ રન ચેઝ 294/7 હતો, જે ટીમે 2024માં ડલાસના આ જ મેદાન પર નેપાળ સામે હાંસલ કર્યો હતો.
UAE સામેની જીત બાદ USAએ પોતાનો રન ચેઝનો રેકોર્ડ સુધાર્યો છે. ICC Men's Cricket World Cup League 2માં ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને છે.








