વોટ્સએપે તેના પ્લેટફોર્મ પર નવું ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા ગ્રુપમાં પછીથી જોડાતા યુઝર્સને જૂની ચર્ચાઓ સમજવામાં સરળતા મળશે. આ અપડેટ વૈશ્વિક સ્તરે યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રુપ એડમિન અથવા સભ્યો જરૂર મુજબ 25 થી 100 જૂના મેસેજ શેર કરી શકે છે.
આ ફીચરનો મુખ્ય લાભ તેમને મળશે જે યુઝર્સ ગ્રુપમાં પછી જોડાય છે. હવે એડમિન અથવા અન્ય સભ્યો તાજેતરની જરૂરી ચર્ચાઓ સીધી નવા સભ્ય સાથે શેર કરી શકે છે.
આ ફીચરમાં એક વખતમાં ઓછામાં ઓછા 25 અને વધુમાં વધુ 100 મેસેજ શેર કરવાની સુવિધા આપવામાં આવી છે. આથી નવા સભ્યને ચર્ચાનો સંદર્ભ ઝડપથી સમજાશે અને વારંવાર પ્રશ્ન પૂછવાની જરૂર રહેશે નહીં. આ સુવિધા ખાસ કરીને ઓફિસ, અભ્યાસ અને પરિવાર ગ્રુપ માટે ઉપયોગી માનવામાં આવી રહી છે.
![]()
વોટ્સએપે આ ફીચર ડિઝાઇન કરતી વખતે યુઝર્સની પ્રાઈવસીને પ્રાથમિકતા આપી છે. ગ્રુપ મેસેજ હિસ્ટ્રી પણ અન્ય ચેટ્સની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે, એટલે કે માત્ર તે જ લોકો મેસેજ જોઈ શકશે જેમને તે મોકલવામાં આવ્યા છે.
જ્યારે પણ ચેટ હિસ્ટ્રી શેર કરવામાં આવશે, ત્યારે ગ્રુપના તમામ સભ્યોને તેની જાણ થશે. મેસેજ સાથે ટાઈમસ્ટેમ્પ અને સેન્ડરની વિગતો પણ દર્શાવવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને ગેરસમજની શક્યતા ઘટે.
આ ફીચરમાં ગ્રુપ એડમિનને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. એડમિન નક્કી કરી શકે છે કે ગ્રુપમાં આ સુવિધા ચાલુ રહેશે કે નહીં, એટલે સંપૂર્ણ નિયંત્રણ તેમના હાથમાં રહેશે.
આ સાથે, આ ફીચર આપોઆપ કાર્યરત નથી. જરૂર પડ્યે જ મેસેજ હિસ્ટ્રી શેર કરવામાં આવશે, જેના કારણે અનિચ્છનીય મેસેજ શેર થવાથી બચી શકાશે અને ગ્રુપ ચર્ચા પર નિયંત્રણ જળવાઈ રહેશે.





