કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે શનિવારે ભારતની વધતી રિન્યુએબલ એનર્જી ક્ષમતા અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સરકાર 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઝડપથી કાર્ય કરી રહી છે.
ગ્રેટર નોએડા: કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે શનિવારે ભારતની વધતી રિન્યુએબલ એનર્જી ક્ષમતા અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સરકાર 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઝડપથી કાર્ય કરી રહી છે. આ દિશામાં અનોખા નવીનતા અને ઉદ્યોગની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી રહેશે.
તેઓ ગ્રેટર નોએડામાં ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (IEEMA) દ્વારા આયોજિત 'એલેક્રામા 2025' કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાવર સેક્ટરને ભારતના આર્થિક વિકાસનો એન્જિન ગણાવતા નવી ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ગ્રીન એનર્જી માટે એડવાન્સ ટેકનોલોજી જરૂરી
મંત્રી મનોહરલાલે જણાવ્યું કે સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધતા ભારતને એડવાન્સ પાવર ઇલેક્ટ્રોનિક્સ, કિફાયતી ટ્રાન્સફોર્મર્સ, સ્માર્ટ ગ્રિડ સોલ્યુશન્સ અને હાઈ એફિશિયન્સી પાવર કન્વર્ટર્સ વિકસાવવાની જરૂર છે. તેમણે ઉદ્યોગના ખેલાડીઓને અપીલ કરી કે તેઓ નવીન ટેકનોલોજી અપનાવીને આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં યોગદાન આપે.
તેમણે કહ્યું, "જો ઉદ્યોગ અને સરકાર મળીને કુશળતાથી કામ કરે, તો 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય સમય કરતાં પહેલાં પણ પ્રાપ્ત કરી શકાય છે."
સૌર ઉર્જામાં 38 ગણો વધારો, હવે આગળનું લક્ષ્ય
મંત્રીએ ભારતની અત્યાર સુધીની પ્રગતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે 2014થી અત્યાર સુધીમાં દેશની રિન્યુએબલ એનર્જી ક્ષમતા 2.81 ગણી વધીને 200 ગીગાવોટ થઈ ગઈ છે. ખાસ કરીને સૌર ઉર્જામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, જે 38 ગણી વધીને 100 ગીગાવોટથી પાર થઈ ગઈ છે. "ભારત માત્ર અક્ષય ઉર્જાને પ્રોત્સાહન આપી રહ્યું નથી, પરંતુ તેને કુશળ રીતે વિતરણ કરવા માટે ટ્રાન્સમિશન નેટવર્કને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, ગ્રીડ સિસ્ટમને મજબૂત કરવા માટે ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગિયર (GIS) સબસ્ટેશન જેવી નવી ટેકનોલોજી અપનાવવી પડશે."
ઇ-મોબિલિટી અને બેટરી સ્વેપિંગ પર ભાર
ઇ-મોબિલિટીને સ્વચ્છ ઉર્જા અભિયાનનો મહત્વનો ભાગ ગણાવતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતને વધુને વધુ બેટરી-સ્વેપિંગ સ્ટેશન, ફાસ્ટ ચાર્જર અને વાહન-ટુ-ગ્રિડ સિસ્ટમને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી ન માત્ર પ્રદૂષણ ઓછું થશે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવામાં પણ મદદ મળશે. મનોહરલાલે આ વાત પર પણ ભાર મૂક્યો કે સરકાર રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણકારોને પુરો સહયોગ આપશે. તેમણે ઉદ્યોગના પ્રતિનિધિઓને સરકારની વિવિધ યોજનાઓ અને પ્રોત્સાહન પેકેજનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા.