ICC તરફથી ક્રિકેટ ચાહકો માટે એક મોટું એલાન કરવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એડન માર્કરામને જૂન મહિનાનો ICC પ્લેયર ઓફ ધ મંથ (Player of the Month) તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સન્માન પાછળ સૌથી મોટું કારણ તેમનું ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં શાનદાર પ્રદર્શન રહ્યું.
ICC Player of the Month Award: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જૂન મહિનાના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. આ વખતે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સાઉથ આફ્રિકાના ધાકડ બેટ્સમેન એડન માર્કરામ (Aiden Markram) અને મહિલા વિભાગમાં વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝ (Hayley Matthews)ના ખાતામાં ગયો છે. બંને ખેલાડીઓએ જૂન મહિનામાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમો માટે યાદગાર જીત નોંધાવી હતી.
એડન માર્કરામ બન્યા પ્લેયર ઓફ ધ મંથ (પુરુષ વિભાગ)
સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એડન માર્કરામે જૂન મહિનામાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ 2025માં ઓસ્ટ્રેલિયા સામે દમદાર પ્રદર્શન કરતા બધાનું દિલ જીતી લીધું. માર્કરામને તેમના શાનદાર બેટિંગ અને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જૂન મહિનાના ICC Player of the Month એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
એડન માર્કરામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલ પરિસ્થિતિમાં 207 બોલમાં 136 રનની શાનદાર સદીય ઇનિંગ રમી. તેમની આ ઇનિંગના કારણે સાઉથ આફ્રિકાએ 282 રનનો લક્ષ્યાંક મેળવીને પહેલીવાર WTCનો ખિતાબ પોતાના નામે કર્યો. માર્કરામે કેપ્ટન ટેમ્બા બાવુમાની સાથે ત્રીજી વિકેટ માટે 147 રનની મહત્વની ભાગીદારી કરી. આ ઐતિહાસિક ફાઇનલમાં બેટની સાથે બોલથી પણ તેમણે યોગદાન આપ્યું અને બંને ઇનિંગમાં એક-એક વિકેટ પણ ઝડપી.
માર્કરામે તેમના જબરદસ્ત પ્રદર્શનથી આ વખતના એવોર્ડ માટે નામાંકિત સાથી ખેલાડી કગિસો રબાડા અને શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકાને પાછળ છોડ્યા. WTC ફાઇનલમાં તેમની ઇનિંગ માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યા હતા.
મહિલા વિભાગમાં હેલી મેથ્યુઝનો જલવો જળવાઈ રહ્યો
મહિલા વિભાગમાં વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમના કેપ્ટન હેલી મેથ્યુઝે ફરી એકવાર પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ICC Player of the Month (Women’s Category) એવોર્ડ જીતી લીધો છે. ખાસ વાત એ છે કે હેલી મેથ્યુઝે આ એવોર્ડ પોતાના કરિયરમાં ચોથી વખત જીત્યો છે. આ પહેલા તેમણે નવેમ્બર 2021, ઓક્ટોબર 2023 અને એપ્રિલ 2024માં પણ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.
હેલી મેથ્યુઝે જૂનમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે વનડે અને ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ત્રણ મેચોની વનડે શ્રેણીમાં 104 રન બનાવ્યા, જેમાં એક શાનદાર અડધી સદી પણ સામેલ છે. સાથે જ તેમણે આ શ્રેણીમાં ચાર વિકેટ પણ ઝડપી. ત્યારબાદ ટી20 શ્રેણીમાં પણ હેલી મેથ્યુઝનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું. તેમણે બે અડધી સદીની મદદથી કુલ 147 રન બનાવ્યા અને બે વિકેટ પોતાના નામે કરી. આ પ્રદર્શનના કારણે તેમને ટી20 શ્રેણીની પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવી.
રેકોર્ડ્સની યાદીમાં સામેલ થઈ હેલી મેથ્યુઝ
હેલી મેથ્યુઝ મહિલા ક્રિકેટમાં હવે તે ગણીચૂંટી ખેલાડીઓમાં સામેલ થઈ ગઈ છે, જેમણે ચાર વખત ICC Player of the Monthનો ખિતાબ જીત્યો છે. તેમની પહેલા ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરે આ ઉપલબ્ધિ મેળવી છે. આ એવોર્ડ દ્વારા હેલી મેથ્યુઝે સાઉથ આફ્રિકાની તાજમિન બ્રિટ્સ અને એફી ફ્લેચર જેવી મજબૂત દાવેદારોને પાછળ છોડી દીધા.
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ દર મહિને પુરુષ અને મહિલા ક્રિકેટરોને તેમના પ્રદર્શનના આધારે આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય વિશ્વભરના ક્રિકેટ ચાહકોને એ ખેલાડીઓ સાથે જોડવાનો છે, જે ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પોતાના દેશનું માન વધારે છે. એડન માર્કરામ અને હેલી મેથ્યુઝ બંનેએ આ સન્માન પોતાના શાનદાર રમતથી સંપૂર્ણ રીતે સિદ્ધ અને સાર્થક કર્યું છે.