મહારાષ્ટ્રના ઉપમુખમંત્રી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારનું ખાનગી વિમાન બારામતીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયાની માહિતી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઘટનાની તપાસ શરૂ કરી છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
બુધવાર સવારના સમયે અજિત પવાર મુંબઈથી બારામતી માટે રવાના થયા હતા. વિમાન VSR કંપનીનું ખાનગી વિમાન હોવાનું જણાવાયું છે. બારામતીમાં લેન્ડિંગ માટે ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું. પ્રારંભિક અહેવાલો મુજબ વિમાનમાં કુલ છ લોકો સવાર હતા. DGCAએ પણ દુર્ઘટનાની પુષ્ટિ કરતાં મૃતકોની સંખ્યા છ હોવાનું જણાવ્યું છે.
પુણે ગ્રામ્ય પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે વિમાન ક્રેશ દરમિયાન અજિત પવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તેમનું અવસાન થયું. પુણે ગ્રામ્ય એસપીએ ઘટનાસ્થળે તરત અધિકારીઓને મોકલી બચાવ કામગીરીને પ્રાથમિકતા આપવાનો આદેશ આપ્યો.
![]()
અધિકારીઓ મુજબ દુર્ઘટનાના સમયે વિમાનમાં કોણ-કોણ હાજર હતું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું છે કે સુપ્રિયા સુલે, સુનેત્રા પવાર અને પાર્થ પવાર દિલ્હીથી બારામતી માટે રવાના થવાના હતા. વિમાનમાં સવાર લોકોની સંખ્યા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે અધિકારીઓ દ્વારા અલગ-અલગ વિગતો આપવામાં આવી છે. કેટલીક જાણકારી મુજબ કુલ છ લોકોના મોત થયા છે અને કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી છે.
દુર્ઘટનાને પગલે એનડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દળ દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી છે. બારામતી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. વહીવટીતંત્રએ કેટલાક માર્ગો બંધ કરી ઈમરજન્સી સેવાઓને સજ્જ રહેવાના નિર્દેશ આપ્યા છે.
આ દુર્ઘટનાને કારણે બારામતીમાં યોજાનારી અજિત પવારની સભા સ્થગિત કરવામાં આવી છે. NCPના અન્ય વરિષ્ઠ નેતાઓએ ઘટનાપ્રતિ દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
DGCAએ જણાવ્યું કે વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે તકનિકી ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપ્યાનું જણાવ્યું છે.








