ચીનના વિશેષ સંસદીય સમિતિના અધ્યક્ષ અને મિશિગનથી રિપબ્લિકન સાંસદ જ્હોન મુલનાર, વાણિજ્ય વિભાગના સચિવ હોવર્ડ લટકનિકને પત્ર લખીને ચીનને નિકાસ થતી AI ચિપ્સ પર RTT વ્યૂહરચના લાગુ કરવાની ભલામણ કરી છે.
વોશિંગ્ટન: અમેરિકા અને ચીન વચ્ચે ટેકનોલોજીકલ વર્ચસ્વની લડાઈ એક નવા વળાંક પર પહોંચી ગઈ છે. અમેરિકન સંસદની વિશેષ સમિતિના અધ્યક્ષ અને મિશિગનથી રિપબ્લિકન સાંસદ જ્હોન મુલનારે ચીનને AI (Artificial Intelligence) ચિપ નિકાસ પર કડક પગલાં લેવાની ભલામણ કરી છે. તેમણે વાણિજ્ય વિભાગના સચિવ હોવર્ડ લટકનિકને લખેલા પત્રમાં ચીનને મોકલવામાં આવતી AI ચિપ પર “Rolling Technical Threshold” (RTT) વ્યૂહરચના લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, ચીનની AI કમ્પ્યુટિંગ ક્ષમતાને અમેરિકાની સરખામણીમાં માત્ર 10% સુધી મર્યાદિત રાખવી અને ટેકનોલોજીકલ Aagyu અમેરિકા પાસે લાંબા સમય સુધી જાળવી રાખવી.
શું છે RTT વ્યૂહરચના?
Rolling Technical Threshold વ્યૂહરચના હેઠળ, ચીનને તે જ AI ચિપ્સ નિકાસ કરવામાં આવશે જે ચીનની ઘરેલું સ્તરે બનેલી ચિપ્સ કરતાં માત્ર થોડી સારી હશે. એટલે કે, અમેરિકા ચીનને સંપૂર્ણપણે એડવાન્સ ટેકનોલોજી સુધી પહોંચ આપશે નહીં. આ રીતે ચીનની ક્ષમતા મર્યાદિત રહેશે અને તે અમેરિકન ટેકનોલોજી પર નિર્ભર રહેશે.
અમેરિકા એ સુનિશ્ચિત કરશે કે ચીન પોતાના દમ પર એટલા એડવાન્સ AI મોડેલ તૈયાર ન કરી શકે જેટલા અમેરિકા અને તેના સહયોગીઓ કરી શકે છે. ચીનની કુલ AI કમ્પ્યુટિંગ શક્તિ અમેરિકાની તુલનામાં માત્ર 10% સુધી રહે. અમેરિકન ટેક કંપનીઓને સૂચના આપવામાં આવશે કે ચીનને નિકાસ થતી ચિપ્સ “કટઓફ લેવલ” કરતાં વધુ એડવાન્સ ન હોય.
ચીન પર શા માટે કડકાઈ?
જ્હોન મુલનારનું કહેવું છે કે ચીનની ટેકનોલોજીકલ પ્રગતિ અમેરિકા અને તેના સહયોગીઓ માટે ખતરો બની શકે છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, ચીન માત્ર પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું નથી, પરંતુ રશિયા, ઈરાન અને અન્ય દુશ્મન દેશો સાથે ટેકનોલોજી શેર કરી રહ્યું છે. આનાથી અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રોની સુરક્ષા પર ખતરો તોળાઈ રહ્યો છે.
એપ્રિલ 2025માં સંસદીય સમિતિ દ્વારા જાહેર કરાયેલ ડીપસીક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકન કંપની Nvidia ના H20 જેવી ચિપ્સ ચીનમાં બનેલા AI મોડેલ R1 ને તૈયાર કરવામાં મહત્વની સાબિત થઈ. આ મોડેલ ચીનની સેના માટે વિકસાવવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં તેનો AI-સક્ષમ સૈન્ય ડ્રોન, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને સ્વયંસંચાલિત શસ્ત્રોમાં ઉપયોગ થઈ શકે છે. મુલનારે ચેતવણી આપી હતી કે જો ચીન આવા ડ્રોન ઈરાન જેવા દેશોને વેચે તો તે અમેરિકા અને ઈઝરાયેલની સેનાઓ માટે ગંભીર પડકાર બની જશે.
AI ટેકનોલોજી અને વૈશ્વિક સુરક્ષા
અમેરિકાની ચિંતા માત્ર આર્થિક નથી, પરંતુ સુરક્ષા અને કૂટનીતિ સાથે પણ જોડાયેલી છે. AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર હવે માત્ર વ્યવસાયિક સંસાધનો નથી, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા અને વૈશ્વિક પ્રભાવનો આધાર બની ગયા છે. મુલનારના મતે, જો ચીનને એડવાન્સ AI ટેકનોલોજી મળે તો તે તેનો ઉપયોગ પોતાના ભૌગોલિક-રાજકીય હિતો અને સૈન્ય વિસ્તરણમાં કરશે.
ખાસ કરીને ઈરાન અને રશિયા જેવા દેશો સાથે ચીનની નિકટતા આ ખતરાને વધુ વધારી દે છે. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકન સાંસદોએ ચીનને AI ચિપ નિકાસ પર ચિંતા વ્યક્ત કરી હોય. ગયા મહિને જ્હોન મુલનારે Nvidia દ્વારા ચીનને H20 ચિપ નિકાસ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે આવી એડવાન્સ ચિપ્સ ચીન જાતે બનાવી શકતું નથી અને અમેરિકાની કંપનીઓ દ્વારા તેનું નિકાસ કરવું રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.