બેગમ ખાલિદા ઝિયાનું નિધન: બાંગ્લાદેશની રાજનીતિમાં યુગનો અંત

બાંગ્લાદેશની ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની ઉંમરે નિધન થયું. તેમના જીવન અને રાજકીય યોગદાન વિશે જાણો.

બાંગ્લાદેશની રાજનીતિના સૌથી પ્રભાવશાળી અને ચર્ચિત વ્યક્તિત્વમાંના એક, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધન સાથે બાંગ્લાદેશની રાજનીતિમાં એક લાંબા અને સંઘર્ષપૂર્ણ યુગનો અંત આવ્યો છે.

Khaleda Zia: બાંગ્લાદેશની રાજનીતિમાં એક યુગનો અંત આવ્યો છે. સંઘર્ષ, સત્તા અને સાહસનું પ્રતીક રહી ચૂકેલા બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ ખાલિદા ઝિયાનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. BNPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેમના નિધનની માહિતી આપી. પાર્ટીએ જણાવ્યું કે બાંગ્લાદેશના આ અનુભવી અને વરિષ્ઠ નેતાએ લાંબા સમયથી ચાલતી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમ્યા બાદ અંતિમ શ્વાસ લીધા.

લાંબી બીમારી બાદ થયું નિધન

ખાલિદા ઝિયા છેલ્લા 36 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને 23 નવેમ્બરે હૃદય અને ફેફસામાં ચેપની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની સ્થિતિ સતત બગડતી ગઈ હતી, જેના કારણે 11 ડિસેમ્બરે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત હતા, જેના કારણે તેમની હાલત વધુ ગંભીર થઈ ગઈ હતી.

ડોક્ટરો અનુસાર, ખાલિદા ઝિયાને નિયમિતપણે કિડની ડાયાલિસિસની જરૂર પડતી હતી. મેડિકલ બોર્ડે તેમની સ્થિતિને "અત્યંત નાજુક" જણાવી હતી અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. ડાયાલિસિસ રોકવામાં આવે તો તેમની તબિયત ઝડપથી બગડી જતી હતી.

BNPએ આપી સત્તાવાર માહિતી, દુઆની અપીલ

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને તેમના નિધનની પુષ્ટિ કરી. પાર્ટીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,
“BNPના પ્રમુખ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય નેતા બેગમ ખાલિદા ઝિયાનું આજે સવારે ફજરની નમાઝ પછી નિધન થયું છે. પાર્ટીએ દેશવાસીઓ અને સમર્થકોને તેમની આત્માની શાંતિ માટે દુઆ કરવા વિનંતી કરી છે. તેમના નિધનની ખબરથી બાંગ્લાદેશ સહિત વિશ્વભરમાં તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ખાલિદા ઝિયાને વધુ સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જો કે, તેમની અત્યંત નબળી તબિયતના કારણે તે શક્ય બન્યું ન હતું. આ પહેલાં તેઓ અનેક ગંભીર બીમારીઓથી પીડિત હતા, જેમાં લીવર, કિડની, ડાયાબિટીસ, સંધિવા અને આંખો સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે.

આ વર્ષે 6 મેના રોજ ખાલિદા ઝિયા લંડનથી પરત ફરીને બાંગ્લાદેશ આવ્યા હતા, જ્યાં તેમણે લગભગ ચાર મહિના સુધી અદ્યતન તબીબી સારવાર લીધી હતી. છતાં, તેમની તબિયતમાં કાયમી સુધારો થયો ન હતો.

ખાલિદા ઝિયાનો રાજકીય પ્રવાસ

ખાલિદા ઝિયા બાંગ્લાદેશની રાજનીતિમાં એક મજબૂત અને નિર્ણાયક ચહેરો રહી છે. તેઓ બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઝિયા-ઉર-રહમાનની પત્ની હતા, જેમણે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ની સ્થાપના કરી હતી. તેમના પતિના મૃત્યુ પછી ખાલિદા ઝિયાએ પાર્ટીની કમાન સંભાળી અને તેને દેશની મુખ્ય રાજકીય તાકાત બનાવી.

તેમણે 1991, 1996 અને 2001માં પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લોકશાહી, રાષ્ટ્રવાદ અને વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો. શેખ હસીનાના લાંબા શાસનકાળમાં BNP મુખ્ય વિપક્ષી દળ તરીકે સક્રિય રહી. BNPએ 2024ની સામાન્ય ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો અને તત્કાલીન સરકાર પર ભારત સાથે અતિશય નિકટતાનો આરોપ લગાવીને રાષ્ટ્રવાદને મોટો મુદ્દો બનાવ્યો હતો. આ ઉપરાંત, ફેબ્રુઆરી 2026માં સૂચિત સામાન્ય ચૂંટણીઓ અંગે પાર્ટીએ 3 ડિસેમ્બરે 237 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી હતી.

ખાલિદા ઝિયાના નિધન બાદ હવે BNPના ભવિષ્ય અને નેતૃત્વ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. તેમના સમર્થકો માટે આ માત્ર એક નેતાનું જ નહીં, પરંતુ એક વિચારધારા અને સંઘર્ષના પ્રતીકનું જવું છે.

Leave a comment