ભારતીય સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ Google Chrome વેબ બ્રાઉઝરને લઈને સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું છે કે Chrome ના કેટલાક જૂના વર્ઝનમાં ગંભીર સુરક્ષા ખામીઓ મળી આવી છે, જેના કારણે સાયબર હુમલાખોરો યુઝર્સનો ખાનગી ડેટા ચોરી શકે છે અને સિસ્ટમમાં ઘૂસણખોરી કરી શકે છે.
CERT-In મુજબ, આ ખામીઓનો ઉપયોગ કરીને હેકર્સ સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે તેમજ બ્રાઉઝરની સુરક્ષા વ્યવસ્થાને બાયપાસ કરી શકે છે. એજન્સીએ યુઝર્સને તાત્કાલિક પોતાનો બ્રાઉઝર અપડેટ કરવાની અને અજાણ્યા લિંક અથવા શંકાસ્પદ વેબસાઇટ્સ પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
Google Chrome વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક હોવાથી ભારત સહિત કરોડો યુઝર્સ પર તેનો અસર થઈ શકે છે.
CERT-In અનુસાર, ખાસ કરીને જૂના વર્ઝન વાપરતા યુઝર્સ માટે વધુ જોખમ છે. તેમાં Linux પર 148.0.7778.96 કરતાં જૂના વર્ઝન તેમજ Windows અને Mac પર 148.0.7778.96 / 148.0.7778.97 કરતાં જૂના વર્ઝનનો સમાવેશ થાય છે.
એજન્સીએ જણાવ્યું છે કે આ વર્ઝનમાં રહેલી સુરક્ષા ખામીઓનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો સિસ્ટમને રિમોટલી નિયંત્રિત કરી શકે છે.

સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હેકર્સ નકલી અથવા મેલિશિયસ વેબસાઇટ્સ મારફતે યુઝર્સને નિશાન બનાવી શકે છે. સંક્રમિત લિંક પર ક્લિક કરાવીને સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકાય છે અને પાસવર્ડ, બેન્કિંગ વિગતો સહિત અન્ય સંવેદનશીલ માહિતી ચોરી શકાય છે.
આ હુમલાઓ દ્વારા બ્રાઉઝરની સુરક્ષા વ્યવસ્થાને બાયપાસ કરી શકાય છે તેમજ સિસ્ટમને ક્રેશ અથવા સંપૂર્ણ રીતે લોક પણ કરી શકાય છે. આવા હુમલાઓ સામાન્ય રીતે “ડ્રાઇવ-બાય એટેક” અથવા “ફિશિંગ લિંક” મારફતે કરવામાં આવે છે, જેમાં યુઝરને ડેટા ચોરી થવાની જાણ પણ ન થાય.
રિપોર્ટ મુજબ, Google Chrome ના અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં સુરક્ષા ખામીઓ મળી આવી છે. તેમાં રેન્ડરિંગ એન્જિનની નબળાઈઓ, ગ્રાફિક્સ પ્રોસેસિંગ સંબંધિત ખામીઓ, મેમરી મેનેજમેન્ટની ભૂલો, ઇનપુટ વેલિડેશન સંબંધિત સમસ્યાઓ અને સિક્યુરિટી પોલિસી બાયપાસ જેવી ખામીઓનો સમાવેશ થાય છે.
CERT-In એ જણાવ્યું છે કે Google એ આ ખામીઓ દૂર કરવા માટે સુરક્ષા પેચ જાહેર કર્યા છે અને તમામ યુઝર્સને તરત બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.









