ઇઝરાઇલ અને લેબનાને અમેરિકાની મધ્યસ્થતામાં વોશિંગ્ટનમાં શાંતિ રૂપરેખા કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકાની મધ્યસ્થતામાં ઇઝરાઇલ અને લેબનાને વોશિંગ્ટનમાં Peace Framework Agreement પર હસ્તાક્ષર કર્યા. અધિકારીઓએ કરારની વિગતવાર શરતો જાહેર કરી નથી, જ્યારે બંને દેશોના પ્રતિનિધિઓ અને અમેરિકાના વિદેશ સચિવે કરાર અંગે પોતાના નિવેદનો આપ્યા.

ઇઝરાઇલ અને લેબનાને શુક્રવારે વોશિંગ્ટનમાં ઇઝરાઇલ તથા હિઝ્બુલ્લા લડવૈયાઓ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવાનો હેતુ ધરાવતા શાંતિ રૂપરેખા કરાર (Peace Framework Agreement) પર હસ્તાક્ષર કર્યા. મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલતા તણાવને ઘટાડવાના પ્રયાસોમાં આ કરાર અમેરિકાની મધ્યસ્થતામાં અનેક દિવસોની વાટાઘાટો બાદ થયો. તેને ઇઝરાઇલ અને હિઝ્બુલ્લા વચ્ચે સ્થાયી શાંતિ સ્થાપિત કરવાની દિશામાં પ્રથમ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ ત્રિપક્ષીય દસ્તાવેજ પર અમેરિકાના વિદેશ મંત્રાલય (U.S. Department of State) ખાતે અમેરિકામાં લેબનાનની રાજદૂત નાડા હમાદેહ મોવાદ અને અમેરિકામાં ઇઝરાઇલના રાજદૂત યેચિયલ લાઇટરે હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો પણ હાજર રહ્યા.

કરાર બાદ માર્કો રૂબિયોએ જણાવ્યું કે આ માત્ર એક રાજકીય દસ્તાવેજ નથી, પરંતુ પ્રદેશમાં સ્થાયી શાંતિ અને સ્થિરતાની દિશામાં નવી શરૂઆત છે. તેમણે કહ્યું કે આગળનો માર્ગ સરળ નહીં હોય, પરંતુ આ યાત્રા અત્યંત મહત્વપૂર્ણ અને જરૂરી છે. રૂબિયોના જણાવ્યા અનુસાર, બંને દેશોએ વાતચીત દ્વારા મતભેદો ઘટાડવાની ઇચ્છા દર્શાવી છે, જે ભવિષ્યમાં વ્યાપક શાંતિ કરારનો આધાર બની શકે છે.

હસ્તાક્ષર સમારોહ બાદ ઇઝરાઇલના રાજદૂત યેચિયલ લાઇટરે લેબનાનની રાજદૂત નાડા હમાદેહ મોવાદની વાટાઘાટ ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમણે ચર્ચા દરમિયાન "સિંહણી" જેવી દૃઢતા અને સાહસ દર્શાવ્યું. નાડા હમાદેહે જણાવ્યું કે આ ફ્રેમવર્ક લેબનાનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાને મજબૂત બનાવવાની, હિંસાનો કાયમી અંત લાવવાની તેમજ દેશના નાગરિકો માટે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રથમ મહત્વપૂર્ણ પગલું છે.

અધિકારીઓએ હજી સુધી કરારની વિગતવાર શરતો જાહેર કરી નથી. ઉપરાંત, આ નવું ફ્રેમવર્ક 16 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire Agreement)થી કેવી રીતે અલગ છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં કરારની વિવિધ જોગવાઈઓ જાહેર કરવામાં આવી શકે છે, ત્યારબાદ તેના વાસ્તવિક પ્રભાવનું મૂલ્યાંકન શક્ય બનશે.

કરારની જાહેરાત બાદ તરત જ ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે હિઝ્બુલ્લાનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ (Disarmament) ન થાય ત્યાં સુધી ઇઝરાયલી સેનાની દક્ષિણ લેબનાનમાં સૈન્ય હાજરી યથાવત રહેશે. તેમણે જણાવ્યું કે ઇઝરાઇલની પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે અને સુરક્ષા સંબંધિત જોખમો સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી સેનાને પાછી ખેંચવામાં આવશે નહીં.

નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું કે ઇઝરાયલી સેના લેબનાની સેનાને બે "પ્રાયોગિક ક્ષેત્રો" (Pilot Zones)માં સુરક્ષા નિયંત્રણ સંભાળવાની મંજૂરી આપશે. તેમાં એક વિસ્તાર લિટાની નદીના દક્ષિણમાં અને બીજો તેના ઉત્તર ભાગમાં રહેશે. તેમના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાનો હેતુ સ્થાનિક સુરક્ષા તંત્રની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો અને ભવિષ્યની સ્થાયી વ્યવસ્થા માટે આધાર તૈયાર કરવાનો છે.

 

Leave a comment