લખનૌમાં ડમ્પર અને ટ્રક વચ્ચે કાર દબાઈ, 20 વર્ષીય યુવતીનું મોત અને ચાર ઘાયલ

ઉત્તર પ્રદેશના લખનૌના મોહનલાલગંજમાં ડમ્પર અને ટ્રક વચ્ચે કાર ફસાતાં 20 વર્ષીય સમીક્ષા સિંહનું મોત થયું હતું. તેની માતા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
લખનૌમાં ડમ્પર અને ટ્રક વચ્ચે કાર દબાઈ, 20 વર્ષીય યુવતીનું મોત અને ચાર ઘાયલ
Photo Credit / Attribution: Google

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં 20 વર્ષીય યુવતીનું મોત થયું હતું, જ્યારે તેની માતા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર આગળ જઈ રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી. કારમાં સવાર લોકો કંઈ સમજે તે પહેલાં જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે પણ કારને જોરદાર ટક્કર મારી હતી. બે ભારે વાહનો વચ્ચે ફસાઈ જવાથી કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર પાંચેય લોકો અંદર ફસાઈ ગયા હતા.

મૃતક યુવતીની ઓળખ સમીક્ષા સિંહ તરીકે થઈ છે. તે પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારની વૃંદાવન યોજના સેક્ટર-6માં રહેતા વકીલ રાજેશ સિંહની એકમાત્ર પુત્રી હતી. સમીક્ષાએ હૈદરાબાદથી MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને મુંબઈની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. દિવાળીની રજાઓ ગાળવા માટે તે પોતાના ઘરે આવી હતી.

મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે સમીક્ષા તેની માતા ગીતા સિંહ અને પાડોશમાં રહેતા શિખર, તેમની પત્ની સુકૃતિ તથા માતા આશા સાથે મોહનલાલગંજ સ્થિત શિવગઢ રિસોર્ટમાં યોજાયેલા લગ્ન સમારોહમાં હાજરી આપવા ગઈ હતી. સમારોહ પૂર્ણ થયા બાદ તમામ લોકો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

રાત્રે આશરે 11:30થી 11:45 વાગ્યાની વચ્ચે તેમની કાર રાયબરેલી-લખનૌ રોડ પર હરિકંશગઢી સ્થિત અલ્ટ્રાટેક ગિટ્ટી પ્લાન્ટ પાસે પહોંચી હતી. આ દરમિયાન અચાનક કારની આગળ એક ડમ્પર આવી ગયું હતું. કાર ચલાવી રહેલા શિખરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડમ્પરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.

આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે પણ કારને જોરદાર ટક્કર મારી હતી. આગળ ડમ્પર અને પાછળ ટ્રક વચ્ચે ફસાઈ જવાથી કાર સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના અનેક ભાગોને નુકસાન થયું હતું અને અંદર બેઠેલા પાંચેય લોકો ફસાઈ ગયા હતા.

અકસાનત બાદ આસપાસથી પસાર થઈ રહેલા રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કારના દરવાજાને ભારે નુકસાન થયું હોવાથી ઘાયલોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકોએ કોઈક રીતે દરવાજા તોડીને કાર ચલાવી રહેલા શિખર, તેમની પત્ની સુકૃતિ, માતા આશા અને સમીક્ષાની માતા ગીતા સિંહને બહાર કાઢ્યા હતા.

ચારેય ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી પીજીઆઈ સ્થિત ટ્રોમા સેન્ટર-2માં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, કારની પાછળની સીટ પર બેઠેલી સમીક્ષા ગંભીર રીતે ફસાઈ ગઈ હતી. વાહનનો પાછળનો ભાગ દબાઈ જવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ બની હતી. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી હતી. મોહનલાલગંજ કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.

અકસ્મતગ્રસ્ત કાર CNGથી ચાલતી હોવાથી તેને કાપતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગવાનો અથવા વિસ્ફોટ થવાનો ખતરો હતો. આ કારણોસર પોલીસ અને બચાવ દળે ખૂબ જ સાવચેતી સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આશરે દોઢ કલાકની મહેનત બાદ પોલીસે કારમાં ફસાયેલી સમીક્ષાને બહાર કાઢી હતી. સુરક્ષાના પગલા તરીકે કારમાંથી CNG સિલિન્ડર પણ અલગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગંભીર હાલતમાં સમીક્ષાને ટ્રોમા સેન્ટર-2માં લઈ જવામાં આવી હતી, જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

અકસ્મતમાં ઘાયલ થયેલી તેની માતા અને ત્રણેય પાડોશીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સમીક્ષાના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તે માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે મુંબઈમાં નોકરી કરતી હતી. દિવાળીની રજાઓમાં ઘરે આવી હોવાથી તે પરિવારના સભ્યો અને પરિચિતો સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા ગઈ હતી.

લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે બનેલી આ દુર્ઘટનાએ પરિવારની ખુશીઓને શોકમાં ફેરવી દીધી હતી. પરિવારના સભ્યોની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પાછળથી કારને ટક્કર મારનાર ટ્રકને પોલીસે કબજામાં લીધો છે. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો.

પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખ્યો છે. પરિવાર તરફથી ફરિયાદ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સમયે બંને ભારે વાહનોની ગતિ કેટલી હતી અને કઈ પરિસ્થિતિમાં આ દુર્ઘટના બની હતી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ અકસ્માતે ફરી એકવાર રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ભારે વાહનોની અવરજવર તેમજ રાત્રિના સમયે માર્ગ સુરક્ષાને લગતા મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે. લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહેલા એક જ કારમાં સવાર પાંચ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવતીનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.

Leave a comment