પાકિસ્તાનની શહબાઝ સરકારે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બનાવ્યા. આ પદ ત્રણેય સેનાઓનું સંકલન કરશે. તેમને પાંચ વર્ષનો કાર્યકાળ અને આજીવન વર્દીમાં સુરક્ષા મળી, જેની વિપક્ષે ટીકા કરી.
Pakistan Update: પાકિસ્તાનની શહબાઝ સરકારે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) નિયુક્ત કર્યા છે. આ નવું પદ પાકિસ્તાનની ત્રણેય સેનાઓ થલસેના, નૌસેના અને વાયુસેના વચ્ચે વધુ સારૂ સંકલન સ્થાપિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય અનુસાર, મુનીરની નિમણૂક આગામી પાંચ વર્ષ માટે રહેશે. આ સાથે જ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબરનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
જોકે, મે મહિનામાં થયેલા ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનને ભારતથી હારનો સામનો કરવો પડ્યો હતો, આમ છતાં મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા. આ દરમિયાન મુનીરે સમગ્ર પાકિસ્તાનમાં પ્રચાર કર્યો કે પાકે ભારત પર જીત હાંસલ કરી છે, જ્યારે વાસ્તવિકતા તેનાથી વિપરીત હતી. આ પગલાં બાદ મુનીર પાકિસ્તાનમાં એક રીતે બિનસત્તાવાર રાજા બની ગયા છે.
મુનીરને મળ્યું CDF પદ
નવું પદ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) તાજેતરમાં બનાવવામાં આવેલા પદોમાંથી એક છે. જણાવાય છે કે આ પદ ચેરમેન, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીનું સ્થાન લે છે, જેને તાજેતરમાં સમાપ્ત કરવામાં આવ્યું હતું. મુનીરની CDF પર નિમણૂક પર પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે અફવાઓ પર પણ વિરામ લાગી ગયો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે મુનીરને આ પદ પર નિયુક્ત કરવું લાંબી પ્રક્રિયા બની શકે છે.

મુનીરને વર્ષ 2022માં પાકિસ્તાન સેનાના પ્રમુખના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળને વર્ષ 2024માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો. આ પછી તેમની ફિલ્ડ માર્શલના પદ પર બઢતી પાકિસ્તાનના ઇતિહાસમાં બીજી વાર થઈ. આ પહેલા આ પદ જનરલ અયૂબ ખાનને મળ્યું હતું, જેમણે 1965ના ભારત-પાક યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. તે યુદ્ધમાં પણ પાકિસ્તાનને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુનીરની બઢતી પર વધ્યો વિવાદ
આસિમ મુનીરની બઢતી હંમેશા વિવાદોમાં રહી છે. મેના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની હાર છતાં તેમને ફિલ્ડ માર્શલ બનાવવા વિપક્ષ માટે પડકાર બની ગયો છે. વિપક્ષ ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આ નિર્ણયની ટીકા કરી છે. પીટીઆઈનું કહેવું છે કે મુનીરને આટલા વ્યાપક અધિકાર અને સુરક્ષા આપવી લોકશાહીના માળખાને નબળું પાડે છે.
તાજેતરમાં પાકિસ્તાનની સંસદે એક કાયદો પસાર કર્યો છે, જેના હેઠળ આસિમ મુનીર આજીવન વર્દીમાં રહેશે અને તેમની ધરપકડ કરી શકાશે નહીં. આ કાયદાથી મુનીરને અત્યંત સુરક્ષા અને અદ્વિતીય અધિકારો મળ્યા છે, જેનાથી તેમની શક્તિ વધુ વધી ગઈ છે.
શહબાઝ સરકારની મહેરબાની
પાકિસ્તાનની શહબાઝ સરકાર સતત મુનીરની શક્તિ વધારવામાં સક્રિય રહી છે. આ મહેરબાની એવા સમયે થઈ છે જ્યારે મુનીરની સેનાએ મેના ઓપરેશન સિંદૂર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું નામ હાંસીનો પાત્ર બનાવી દીધું હતું. આમ છતાં શહબાઝ સરકારે તેમને ફિલ્ડ માર્શલ બનાવવા સાથે-સાથે CDF પદ પર નિયુક્ત કરી તેમને સૈન્ય સુરક્ષા પૂરી પાડી છે.










