RBI એ 1 જુલાઈ 2026 થી ડિજિટલ છેતરપિંડીના કેસોમાં બેંકોને 85 ટકા સુધીના નુકસાનની ભરપાઈ કરવાની ફરજ પાડતો નિયમ પ્રસ્તાવિત કર્યો છે.

RBI એ 1 જુલાઈ 2026 થી ડિજિટલ છેતરપિંડીના કેસોમાં બેંકોને 85 ટકા સુધીના નુકસાનની ભરપાઈ કરવાની ફરજ પાડતો નિયમ પ્રસ્તાવિત કર્યો છે.

ભારતમાં ડિજિટલ બેંકિંગના વિસ્તરણ સાથે યુપીઆઈ, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ એપ અને કાર્ડ આધારિત ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં પૂર્ણ થાય છે. જોકે ડિજિટલ ફ્રોડના કેસોમાં પણ વધારો નોંધાયો છે, જેમાં ફિશિંગ લિંક, નકલી એપ્લિકેશન અથવા OTP ચોરી દ્વારા ગ્રાહકોના બેંક ખાતાઓમાંથી નાણાં ઉપાડી લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ગ્રાહકોને નાણાં પાછાં મેળવવા માટે લાંબી પ્રક્રિયા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નવા ડ્રાફ્ટ નિયમો પ્રસ્તાવિત કર્યા છે.

RBI દ્વારા પ્રસ્તાવિત આ નિયમ 1 જુલાઈ 2026થી અમલમાં આવી શકે છે. આ પગલાનો હેતુ ડિજિટલ ફ્રોડના કેસોમાં ગ્રાહકોની સુરક્ષા વધારવો અને બેંકોની જવાબદારી નિર્ધારિત કરવો છે. આ નિયમ માત્ર કોમર્શિયલ બેંકો પર લાગુ થશે, જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો હાલમાં તેની વ્યાપ્તિમાં આવતી નથી. અગાઉના નિયમોમાં ગ્રાહકો પર વધુ જવાબદારી હતી, જ્યારે નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ બેંકો અને RBI વધુ જવાબદારી વહન કરશે જેથી ફ્રોડના કેસોમાં સામાન્ય ગ્રાહકોને થતો નુકસાન ઓછો થાય.

નવા નિયમો મુજબ ડિજિટલ ફ્રોડની ફરિયાદ પ્રાપ્ત થયા બાદ બેંકોને ઝડપી કાર્યવાહી કરવી પડશે. અગાઉની પ્રક્રિયામાં ફરિયાદોના નિવારણમાં વધુ સમય લાગતો હતો, પરંતુ પ્રસ્તાવિત નિયમો હેઠળ પ્રક્રિયા ઝડપી બનાવવાનો ઉદ્દેશ છે. આ નિયમ UPI પેમેન્ટ, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ એપ ટ્રાન્સફર, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન તેમજ ATM ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે. એટલે કે ડિજિટલ માધ્યમથી થતી મોટાભાગની બેંકિંગ પ્રવૃત્તિઓ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.

RBI એ નાના મૂલ્યના ફ્રોડ માટે 85 ટકા સુધી વળતર આપવાની સ્કીમ પ્રસ્તાવિત કરી છે. આ સ્કીમ તેવા કેસોમાં લાગુ થશે જ્યાં નુકસાનની રકમ ₹50,000થી ઓછી હોય. વળતરની મહત્તમ મર્યાદા ₹25,000 નક્કી કરવામાં આવી છે. પ્રસ્તાવ મુજબ RBI નુકસાનની રકમમાંથી 65 ટકા સુધી કવર કરશે, જ્યારે ગ્રાહકની બેંક અને લાભાર્થી બેંક મળીને બાકી 20 ટકા વહેંચશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહકના ₹20,000 ફ્રોડમાં જતા રહે તો તેને લગભગ ₹17,000 સુધી પરત મળી શકે છે.

વળતર મેળવવા માટે ગ્રાહકે ફ્રોડની ફરિયાદ પાંચ દિવસની અંદર નોંધાવવી જરૂરી રહેશે. ફરિયાદ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા હેલ્પલાઇન નંબર 1930 પર નોંધાવી શકાય છે. સાથે સાથે સંબંધિત બેંકને પણ જાણ કરવી ફરજિયાત રહેશે. જો ફરિયાદ મોડેથી કરવામાં આવે અથવા ગ્રાહકની ભૂલ સાબિત થાય તો વળતર મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. આ નિયમ 1 જુલાઈ 2026 પછીના ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધતા જતા સાયબર ઠગોના ઉપાયો પણ બદલાઈ રહ્યા છે. અગાઉના નિયમોમાં ગ્રાહકોની જવાબદારી વધારે હતી અને અનેક વખત ફ્રોડના કેસોમાં તેઓને નુકસાન સહન કરવું પડતું હતું. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ બેંકોને વધુ મજબૂત ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ લાગુ કરવાની રહેશે જેથી સંદિગ્ધ ટ્રાન્ઝેક્શન માટે પૂર્વચેતવણી મળી શકે અને સંભવિત નુકસાન અટકાવી શકાય. RBIના આંકડા મુજબ લગભગ 65 ટકા ફ્રોડ કેસ નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત હોય છે, તેથી આ પ્રકારના કેસો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

પ્રસ્તાવિત નિયમો ગ્રાહકોને ડિજિટલ ફ્રોડથી થનારા નાણાકીય નુકસાન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. વળતર મેળવવા માટે ગ્રાહકોએ સમયસર ફરિયાદ નોંધાવવી અને બેંકો સાથે સહકાર આપવો જરૂરી રહેશે. ડિજિટલ પેમેન્ટ કરતી વખતે OTP કોઈ સાથે શેર ન કરવો, શંકાસ્પદ લિંક અથવા નકલી એપ્લિકેશનથી દૂર રહેવું અને માત્ર બેંકની સત્તાવાર એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરવો જેવા સુરક્ષા પગલાંનું પાલન પણ જરૂરી છે.

Leave a comment