યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોએ એવી પેસિવ કૂલિંગ કોટિંગ વિકસાવી છે, જેને છત પર ફિલ્મની જેમ લગાવી શકાય છે. આ કોટિંગ વીજળી વિના સૂર્યપ્રકાશના 96% સુધીના કિરણોને પરાવર્તિત કરી શકે છે અને છતની ગરમીને ઇન્ફ્રારેડ રેડિયેશનના માધ્યમથી બહાર મોકલવામાં મદદ કરે છે. હ્યુસ્ટનમાં કરવામાં આવેલા ફિલ્ડ ટેસ્ટ દરમિયાન કોટિંગથી સારવાર કરાયેલી મેટલની છતો આસપાસના તાપમાનની તુલનામાં 22 ડિગ્રી સુધી ઠંડી નોંધાઈ હતી.
ઉનાળામાં ઘરો અને ઇમારતોની છતો સીધી સૂર્યની ગરમી શોષે છે, જેના કારણે અંદરનું તાપમાન વધે છે. તેની અસર એસી અને કૂલરના ઉપયોગ તથા વીજળીના વપરાશ પર પડે છે. આ પડકારને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોએ છતની સપાટી પર ફિલ્મની જેમ લગાવી શકાય તેવી કૂલિંગ કોટિંગ વિકસાવી છે.
આ ટેક્નોલોજીને ચલાવવા માટે બાહ્ય વીજળી, બેટરી અથવા મશીનરીની જરૂર પડતી નથી. કોટિંગ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવાની સાથે સપાટી પરથી નીકળતી ગરમીને ઇન્ફ્રારેડ રેડિયેશન દ્વારા બહાર મોકલવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા છતને આસપાસના વાતાવરણની તુલનામાં ઠંડી રાખવામાં મદદ કરે છે.
રિસર્ચ ટીમે હ્યુસ્ટરના જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ ટેક્નોલોજીનું ફિલ્ડ ટેસ્ટિંગ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન ખાસ કરીને મેટલની છત પર કોટિંગના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ અહેવાલ મુજબ, સૂર્યપ્રકાશમાં કોટિંગથી સારવાર કરાયેલી મેટલની છતો આસપાસના તાપમાનની તુલનામાં 22 ડિગ્રી સુધી ઠંડી નોંધાઈ હતી.

આ પ્રોજેક્ટ પર યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રિન્સિપલ એન્જિનિયર અમન મહેતાએ પણ કામ કર્યું છે. તેમના અનુસાર, ફિલ્મને અસરકારક બનાવવા માટે કોઈ વધારાના વીજ પુરવઠાની જરૂર નથી. તેનું કાર્ય મુખ્યત્વે સૂર્યની ઊર્જાને પરાવર્તિત કરવાનું અને છતમાંથી ઇમારત તરફ જતી ગરમી ઘટાડવાનું છે.
આ કૂલિંગ સિસ્ટમ પેસિવ ડેટાઇમ રેડિયેટિવ કૂલિંગ ટેક્નોલોજી પર આધારિત છે. તે ઓપ્ટિક્સ અને થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતો પર કામ કરે છે. એક ખાસ પોરસ પોલિમર ફિલ્મ સૂર્યપ્રકાશના લગભગ 96% સુધીના કિરણોને પરાવર્તિત કરી શકે છે. સપાટી પર રહેલી ગરમીને લોંગ-વેવલેન્થ ઇન્ફ્રારેડ રેડિયેશનના રૂપમાં વાતાવરણની બહાર મોકલવાની પ્રક્રિયા આ ટેક્નોલોજીનો મહત્વપૂર્ણ ભાગ છે.
આથી છત સીધી સૂર્યની ગરમી ઓછી શોષે છે અને તેની સપાટીનું તાપમાન નીચું રહે છે. પરિણામે, ઇમારતની અંદર ગરમીનું ટ્રાન્સફર પણ ઘટી શકે છે. લાંબા ગાળે આવી ટેક્નોલોજી એસી પરની નિર્ભરતા અને કૂલિંગ માટે વપરાતી વીજળી ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ પ્રકારની કોટિંગ સામે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ પણ છે. છત પર ધૂળ, ગંદકી અને અન્ય પ્રદૂષકો જમા થવાથી તેની પરાવર્તક ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. આ સમસ્યા ઘટાડવા માટે સંશોધકોએ સેલ્ફ-ક્લીનિંગ કમ્પોઝિટ વિકસાવ્યું છે, જેનાથી સપાટી પર ગંદકી જમા થવાની સંભાવના ઘટે છે.
હાલમાં તેની કિંમત અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા મહત્વપૂર્ણ મુદ્દા છે. આ કોટિંગ સામાન્ય સફેદ પેઇન્ટની તુલનામાં મોંઘી હોઈ શકે છે. જો કે, ટેક્નોલોજીને મોટા પાયે ઓછી કિંમતે વિકસાવવામાં આવે તો ગરમ આબોહવા ધરાવતા વિસ્તારોમાં ઇમારતોને ઠંડી રાખવા અને ઊર્જાની માંગ ઘટાડવા માટે તેનો ઉપયોગ વધી શકે છે.








