અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની નવી લહેર શરૂ કરી હોવાની માહિતી આપી છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમ, રડાર નેટવર્ક, દરિયાઈ ઠેકાણાઓ, સંચાર કેન્દ્રો અને કથિત રીતે સમુદ્રમાં બારૂદી સુરંગો બિછાવવાની ક્ષમતા સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, સૈન્ય કાર્યવાહિનો હેતુ ઈરાનની એવી ક્ષમતાઓને નબળી પાડવાનો છે, જેને અમેરિકા પ્રાદેશિક સુરક્ષા અને દરિયાઈ પરિવહન માટે જોખમી માને છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે.
અમેરિકી હુમલાઓના જવાબમાં ઈરાને જોર્ડન અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકોના મોતનો દાવો પણ કર્યો હતો. જોકે, અમેરિકી અધિકારીઓએ આ દાવાને ફગાવી દીધો અને જણાવ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર જોર્ડનમાં થયેલા હુમલામાં કોઈ અમેરિકી સૈનિકનું મૃત્યુ થયું નથી.
આ દરમિયાન કુવૈતમાં પણ ઈરાની ડ્રોન હુમલાના અહેવાલો બાદ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી. જોર્ડને દાવો કર્યો કે તેની સેનાએ ઈરાન તરફથી છોડવામાં આવેલી 13 બેલિસ્ટિક મિસાઈલોને અટકાવી હતી. આ ઘટનાઓ વચ્ચે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ વિસ્તરવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે તાત્કાલિક કોઈ સમજૂતી કરવાની જરૂરિયાતને નકારી છે. ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર દબાણ હેઠળ છે. તેમના નિવેદનથી અમેરિકાનું સૈન્ય અને આર્થિક દબાણ ચાલુ રાખવાનું વલણ સામે આવ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ સંકટનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને આ દરિયાઈ માર્ગની આસપાસ બારૂદી સુરંગો બિછાવવાનો પ્રયાસ કર્યો છે. આવી સ્થિતિમાં તેલ અને ગેસ પરિવહન કરતા જહાજોની અવરજવર પ્રભાવિત થઈ શકે છે.
ઈરાને દાવો કર્યો છે કે ખુઝેસ્તાન પ્રાંતમાં અમેરિકી મિસાઈલ હુમલામાં સાત લોકોનાં મોત થયા અને આઠ લોકો ઘાયલ થયા. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, અમેરિકાએ પ્રાંતમાં ત્રણ સ્થળોને નિશાન બનાવ્યા હતા.
આ દાવાની તાત્કાલિક સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. સતત ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મર્યાદિત સ્વતંત્ર પહોંચને કારણે મૃતકો અને ઘાયલોની સંખ્યાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવી મુશ્કેલ છે.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા કથિત રીતે ઈરાનને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચેનો આ કથિત ગુપ્ત કાર્યક્રમ 2023થી ચાલી રહ્યો છે અને તેનો હેતુ ઈરાનની લાંબા અંતરની ઝડપી ગતિની મિસાઈલ ક્ષમતાને મજબૂત કરવાનો છે.
અહેવાલમાં આ કથિત કાર્યક્રમનું કોડનેમ C430L હોવાનું જણાવાયું છે. તેમાં રશિયાના મિસાઈલ નિષ્ણાતોની ભૂમિકા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, રશિયા ઈરાનને રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવવામાં તકનીકી સહાય આપી રહ્યું છે.
રેમજેટ ટેક્નોલોજીનો ઉપયોગ વધુ ઝડપે ઉડાન ભરવા સક્ષમ મિસાઈલો માટે થઈ શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને રેમજેટ સિસ્ટમ વિકસાવીને તેનું ફ્લાઈટ ટેસ્ટ પણ કર્યું છે. જોકે, રશિયાની મદદથી વિકસાવવામાં આવેલી કોઈ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ઈરાને સક્રિય રીતે તૈનાત કરી છે તેવું દર્શાવતો કોઈ સ્વતંત્ર પુરાવો હાલ સામે આવ્યો નથી.
![]()
ઈરાને અમેરિકી સેનાએ સિરીકમાં એક લગ્ન સમારોહને નિશાન બનાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ઈરાનના સરકારી ટેલિવિઝન IRIB અનુસાર, આ હુમલામાં ચાર લોકોનાં મોત થયા અને લગભગ 50 લોકો ઘાયલ થયા.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આરોપ લગાવ્યો કે સિરીકના કુહસ્તક વિસ્તારમાં એક રહેણાંક મકાન પર હુમલો થયો હતો, જ્યાં એક પરિવાર લગ્નની ઉજવણી કરી રહ્યો હતો. તેમણે દાવો કર્યો કે હુમલામાં 50થી વધુ પુરુષો, મહિલાઓ અને બાળકો માર્યા ગયા અથવા ઘાયલ થયા.
ઈરાની પક્ષે અમેરિકી કાર્યવાહીને ગંભીર અપરાધ ગણાવી અને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને આ ઘટનાને લઈને અમેરિકી પક્ષ તરફથી ઉપલબ્ધ માહિતીના આધારે વિવિધ દાવાઓની પુષ્ટિ જરૂરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્તમાન તણાવની નવી કડી રવિવાર, 30 ઓગસ્ટે સામે આવી હતી. અમેરિકી સેનાએ ઈરાનના લારક દ્વીપ પર બે રોકેટ લોન્ચર્સને નિશાન બનાવ્યાની માહિતી આપી હતી. અમેરિકાનો આરોપ હતો કે આ સૈન્ય ક્ષમતાઓથી આ વિસ્તારમાં જોખમ ઊભું થઈ રહ્યું હતું.
ઈરાને પણ આ કાર્યવાહીમાં લોકોનાં મોત અને ઈજાઓ થયાનો દાવો કર્યો હતો, પરંતુ તે સમયે મૃતકો અને ઘાયલોની સ્પષ્ટ સંખ્યા જાહેર કરવામાં આવી નહોતી.
ત્યારબાદ બંને દેશો વચ્ચે નિવેદનબાજી અને સૈન્ય પ્રવૃત્તિઓ વધી ગઈ. હવે ઈરાન તરફથી જોર્ડન અને બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવાના દાવાઓ સામે આવ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ ઊર્જા માર્ગોમાં સામેલ છે. ફારસની ખાડીમાંથી નીકળતા મોટા પ્રમાણમાં કાચા તેલ અને કુદરતી ગેસનો આંતરરાષ્ટ્રીય બજારો સુધી પરિવહન આ માર્ગ દ્વારા થાય છે. તેથી આ જળમાર્ગમાં કોઈપણ સૈન્ય અવરોધની અસર અમેરિકા અને ઈરાન સુધી મર્યાદિત નહીં રહે.
જો સંઘર્ષને કારણે જહાજોની અવરજવર પ્રભાવિત થાય અથવા દરિયાઈ સુરક્ષાનું જોખમ વધે, તો વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા પર અસર થઈ શકે છે. તેના કારણે કાચા તેલના ભાવમાં વધારો, પરિવહન ખર્ચમાં વૃદ્ધિ અને ઊર્જા બજારોમાં અસ્થિરતા સર્જાઈ શકે છે.
મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર સંભવિત ઈરાની હુમલા અને ઈરાનના સૈન્ય માળખા પર અમેરિકી કાર્યવાહીએ પ્રદેશની સ્થિતિને વધુ જટિલ બનાવી છે. હોર્મુઝ સ્ટ્રેટ, ખાડી વિસ્તારમાં અમેરિકી સૈન્ય હાજરી અને ઈરાનની જવાબી કાર્યવાહી પર નજર છે.






