ગ્રેટર નોઇડાના જારચા પોલીસ સ્ટેશન પરિસરમાં મંગળવારે સવારે 27 વર્ષીય મહિલા સબ-ઇન્સ્પેક્ટર રશ્મિ ગૌતમનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. તેમનો મૃતદેહ સરકારી આવાસના બાથરૂમના ફ્લોર પરથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. રશ્મિ વર્ષ 2023 બેચનાં સબ-ઇન્સ્પેક્ટર હતાં અને જારચા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં. તેમના અચાનક થયેલા મોતથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છે. પ્રાથમિક તપાસમાં સાયલન્ટ કાર્ડિયાક અરેસ્ટની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
રશ્મિ ગૌતમ મૂળ કાનપુરનાં રહેવાસી હતાં. તેઓ જારચા કોતવાલી પરિસરમાં આવેલા સરકારી આવાસમાં રહેતાં હતાં. મંગળવારે સવારે તેમના પિતાએ પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અનેક વખત ફોન કરવા છતાં રશ્મિએ ફોન ન ઉપાડતાં તેમના પિતાને ચિંતા થઈ હતી. ત્યારબાદ તેમણે રશ્મીની એક મહિલા સહકર્મીનો સંપર્ક કરીને સરકારી આવાસ પર જઈને તપાસ કરવા જણાવ્યું હતું.
મહિલા સહકર્મી રશ્મિના આવાસ પર પહોંચ્યાં ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેમણે અનેક વખત અવાજ આપ્યો અને દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ તેમણે આ અંગે પોલીસ સ્ટેશનના પ્રભારીને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અનેક પ્રયાસો છતાં દરવાજો ન ખૂલતાં પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
આવાસની અંદર તપાસ દરમિયાન રશ્મિ બાથરૂમના ફ્લોર પર બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. પોલીસકર્મીઓએ તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. જોકે, તપાસ બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સરકારી આવાસનું નિરીક્ષણ કર્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન રશ્મિના શરીર પર બહારથી ઈજાનાં કોઈ નિશાન મળી આવ્યાં નથી. અધિકારીઓએ પ્રાથમિક દૃષ્ટિએ સાયલન્ટ કાર્ડિયાક અરેસ્ટ એટલે કે સ્પષ્ટ લક્ષણો વિના અચાનક હૃદયરોગનો હુમલો આવવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, તેને મોતનું નિશ્ચિત કારણ માનવામાં આવ્યું નથી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જેથી મોતનું વાસ્તવિક કારણ જાણી શકાય.
રશ્મિ ગૌતમ વર્ષ 2023 બેચનાં સબ-ઇન્સ્પેક્ટર હતાં. વર્ષ 2024થી તેઓ ગ્રેટર નોઇડાના જારચા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં. આ તેમની પ્રથમ પોસ્ટિંગ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમના પિતા પણ ઉત્તર પ્રદેશ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પરિવારને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ ઘટનાસ્થળેથી બહારની ઈજાનાં કોઈ નિશાન કે શંકાસ્પદ ગતિવિધિની પુષ્ટિ થઈ નથી. તેમ છતાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મહિલા સબ-ઇન્સ્પેક્ટરનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હતું કે તેની પાછળ અન્ય કોઈ તબીબી કારણ હતું, તે સ્પષ્ટ થઈ શકશે.







