અભિષેક બેનર્જીના ઘર બહાર TMC અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, સાંસદે જીવલેણ હુમલાના કાવતરાનો લગાવ્યો આરોપ

કોલકાતામાં અભિષેક બેનર્જીના જન્મદિવસની રાત્રે તેમના નિવાસસ્થાનની બહાર TMC અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઈ. સાંસદે જીવલેણ હુમલાનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો, જ્યારે ભાજપે આરોપોને ફગાવ્યા.

કોલકાતામાં જન્મદિવસની રાત્રે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસસ્થાનની બહાર TMC અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. સાંસદે તેમના પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ભાજપે આ આરોપોને રાજકીય નાટક ગણાવીને ફગાવી દીધા છે.

પશ્ચિમ બંગાળમાં TMC સાંસદ અભિષેક બેનર્જીના જન્મદિવસની ઉજવણી શનિવાર, 7 નવેમ્બરની વહેલી સવારે વિવાદમાં ફેરવાઈ ગઈ હતી. રાત્રે લગભગ બે વાગ્યે કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર ભાજપ અને TMCના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

અભિષેક બેનર્જીએ ભાજપના કાર્યકરો પર હુમલો કરવાનો અને પોલીસ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

અભિષેક બેનર્જીના જન્મદિવસ નિમિત્તે શુક્રવારની રાતથી જ તેમના નિવાસસ્થાનની બહાર સમર્થકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. કેટલાક કાર્યકરો બેનર અને પોસ્ટર લગાવી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં પહોંચેલા કેટલાક લોકોએ 'ચોર-ચોર'ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી વધી હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

TMC કાર્યકરોનો આરોપ છે કે ભાજપના સમર્થકોએ તેમના પોસ્ટર ફાડી નાખ્યા હતા. તેનો વિરોધ કરવામાં આવતાં ઈંટો અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો પર લોખંડના સળિયા અને હોકી સ્ટિકનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

હંગામાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિ વણસતાં બંને પક્ષોને અલગ કરવામાં આવ્યા હતા અને રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અભિષેક બેનર્જી પણ પોતાના ઘરેથી બહાર આવ્યા હતા. પોલીસ અધિકારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ થોડા સમય માટે સમર્થકો સાથે ધરણા પર બેઠા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં અભિષેક બેનર્જીએ દાવો કર્યો હતો કે આ હુમલો અચાનક કરવામાં આવ્યો નહોતો. તેમના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો હથિયારો સાથે આવ્યા હતા અને અગાઉથી હિંસા કરવાની તૈયારી કરી હતી.

સાંસદે જણાવ્યું હતું કે તેમના એક સાથી તપસના અંગૂઠા પાસે ગંભીર ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ પ્લાસ્ટિક સર્જરી કરવાની જરૂર પડી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. અન્ય એક કાર્યકરની આંખની નીચેના હાડકામાં ફ્રેક્ચર થયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

બેનર્જીએ સોશિયલ મીડિયા પર ઘટનાને લગતો વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરોને રોકવા માટે સમયસર કાર્યવાહી કરવામાં આવી નહોતી. જોકે, હથિયારો અને હુમલા સંબંધિત તમામ આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

અભિષેક બેનર્જીના ઘર બહાર TMC અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, સાંસદે જીવલેણ હુમલાના કાવતરાનો લગાવ્યો આરોપ

TMC સાંસદે દાવો કર્યો હતો કે છેલ્લા છ મહિનામાં તેમની હત્યા કરવાનો આ સાતમો પ્રયાસ છે. તેમણે સોનારપુરની એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 19 જૂને દિલ્હીથી પરત ફરતી વખતે હથિયારધારી લોકોએ તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર, તે સમયે કાર્યકરોએ કેટલાક શંકાસ્પદ લોકોને પકડી લીધા હતા. જોકે, ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

અભિષેક બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના કહેવા મુજબ, ચૂંટાયેલા સાંસદની સુરક્ષાને લઈને આવી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે.

બીજી તરફ, ભાજપે અભિષેક બેનર્જીના આરોપોને ફગાવી દીધા છે. પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી દિલીપ ઘોષે આ ઘટનાને રાજકીય નાટક ગણાવી હતી.

ઘોષે કહ્યું હતું કે તેમણે પહેલીવાર કોઈ નેતાનો જન્મદિવસ આ રીતે ફૂટપાથ પર ઉજવાતો જોયો છે. તેમના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે થતા ઘોંઘાટનો વિરોધ થવો સ્વાભાવિક છે અને તેને જીવલેણ હુમલાનું સ્વરૂપ આપવું ખોટું છે.

ભાજપના પક્ષે દાવો કર્યો છે કે તેના કેટલાક કાર્યકરો કુમ્હારટોલીથી કાળીમાતાની મૂર્તિઓ ખરીદીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન TMC સમર્થકોએ તેમની સાથે વિવાદ શરૂ કર્યો હતો. બંને પક્ષો આ ઘટના માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ વિવાદના એક દિવસ પહેલાં, 6 નવેમ્બરે અભિષેક બેનર્જીએ પોતાના નિવાસસ્થાન અને કાર્યાલયની આસપાસ શંકાસ્પદ ગતિવિધિઓ અંગે ફરિયાદ કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસથી મોટરસાઇકલ પર સવાર કેટલાક અજાણ્યા લોકો તેમના ઘર અને કાર્યાલય પર નજર રાખી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે પોતાને પોલીસકર્મી ગણાવ્યા હતા.

સાંસદે મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન નંબર જાહેર કરીને સવાલ કર્યો હતો કે કોના આદેશથી તેમની દેખરેખ રાખવામાં આવી રહી હતી.

 

Leave a comment