મિડલ ઈસ્ટમાં ચાલુ ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગે ચિંતાઓ વધી રહી છે અને તેની અસર ભારત સહિત અનેક ઉદ્ભવતી અર્થવ્યવસ્થાઓ પર પડી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ચેતવણી આપી છે કે જો આ સંકટ લાંબા સમય સુધી યથાવત રહેશે તો કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહી શકે છે, જેના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ દર અને મોંઘવારી બંને પર અસર પડી શકે છે.
ADBના મુખ્ય અર્થશાસ્ત્રી અલ્બર્ટ પાર્કના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધે અથવા લાંબા સમય સુધી ચાલુ રહે તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી શકે છે. તેમણે અંદાજ વ્યક્ત કર્યો છે કે 2026 દરમિયાન કાચા તેલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ લગભગ 96 ડોલર સુધી રહી શકે છે. 2027માં પણ તેલની કિંમત પ્રતિ બેરલ લગભગ 80 ડોલર આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેલની કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તરે ઊર્જા ખર્ચમાં વધારો કરી શકે છે, જેનો સીધો અસર આયાત આધારિત દેશો પર પડી શકે છે, ખાસ કરીને ભારત પર.
![]()
ભારત વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર દેશોમાંનો એક છે. તેથી કાચા તેલની કિંમતોમાં વધારો દેશની આર્થિક પ્રવૃત્તિઓ પર સીધી અસર કરી શકે છે. ADBના અનુસાર, આ સંકટને કારણે ભારતની GDP વૃદ્ધિ દરમાં અંદાજે 0.6 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેના પરિણામે અગાઉના અંદાજની સરખામણીએ ભારતની આર્થિક ગતિ ધીમી પડી શકે છે.
ADBએ અગાઉ અંદાજ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા લગભગ 6.9 ટકા દરે વૃદ્ધિ કરશે અને આગામી નાણાકીય વર્ષમાં આ વૃદ્ધિ દર વધીને 7.3 ટકા સુધી પહોંચી શકે છે. જોકે હાલની વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે આ અંદાજ પર દબાણ વધ્યું છે.
રિપોર્ટ મુજબ, કાચા તેલની કિંમતોમાં વધારો થવાથી ભારતમાં મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. ADBએ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ અગાઉના 4.5 ટકાથી વધારીને લગભગ 6.9 ટકા કર્યો છે. તેનો અર્થ એ થાય છે કે મોંઘવારીમાં અંદાજે 2.4 ટકાનો વધારો થઈ શકે છે.
ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂર્ણ કરે છે. તેથી વૈશ્વિક બજારમાં તેલ અને ગેસની કિંમતોમાં વધારો થવાથી તેનો સીધો અસર દેશની ઘરેલુ અર્થવ્યવસ્થા પર પડી શકે છે. જોકે ADBએ એ પણ સંકેત આપ્યો છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર બને તો ભારતની અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત ગતિ મેળવી શકે છે.











