અલ્હાબાદ હાઈકોર્ટે છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી (કાનપુર યુનિવર્સિટી)ની એક એલએલબી વિદ્યાર્થીનીની અરજીને ફગાવી દેતા તેના પર ₹20 હજારનો દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીનીએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટીએ તેને પરીક્ષામાં 500માંથી માત્ર 182 ગુણ આપ્યા, જ્યારે તેના મતે તેને 499 ગુણ મળવા જોઈતા હતા.
ન્યાયમૂર્તિ સૌરભ શ્યામ શમશેરીની સિંગલ બેન્ચે વિદ્યાર્થીનીની દલીલોને પાયાવિહોણી ગણાવતા કહ્યું કે "વિદ્યાર્થીનીએ કોર્ટમાં સમય બગાડવાને બદલે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ." અદાલતે એ પણ ટિપ્પણી કરી કે આવી અરજીઓ ન્યાયાલયનો બિનજરૂરી સમય વેડફે છે.
માહિતી અનુસાર, વિદ્યાર્થીનીએ આ પહેલા પણ પરીક્ષાના પરિણામથી અસંતુષ્ટ થઈને લગભગ 10 અરજીઓ દાખલ કરી હતી, જેમાં પુનર્મૂલ્યાંકન અને વિશેષ અપીલોનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટી દ્વારા રચાયેલી તપાસ સમિતિએ વિદ્યાર્થીનીની OMR શીટની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તેને કુલ 181 ગુણ જ પ્રાપ્ત થયા છે.
કોર્ટે વિદ્યાર્થીનીને આદેશ આપ્યો કે તે ₹20 હજારનો દંડ 15 દિવસની અંદર ઉચ્ચ ન્યાયાલય કાનૂની સેવા સમિતિના ખાતામાં જમા કરાવે.












