બાંગ્લાદેશની રાજનીતિમાં 20 વર્ષના સત્તાસંઘર્ષ અને રાજકીય અસ્થિરતા બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી છે.
વિશ્વ સમાચાર મુજબ, 5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થીઓના આંદોલનો બાદ શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારને હટાવવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારે દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. હસીનાની ગેરહાજરીમાં મતદાન યોજાયું અને શુક્રવારે પરિણામ જાહેર થયા. મતદાતાઓએ અવસાન પામેલી ખાલિદા જિયાનું બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) પર વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ જીત સાથે બીએનપી બે તૃતિયાંશ બહુમતી મેળવી 20 વર્ષ બાદ સત્તામાં પરત ફરી રહી છે. ખાલિદા જિયાનાં પુત્ર તારિક રહમાન પ્રથમ વખત પ્રધાનમંત્રી પદ સંભાળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
60 વર્ષીય તારિક રહમાન, પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહમાન અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર છે. તેઓ ડિસેમ્બર 2024માં લંડનથી બાંગ્લાદેશ પરત આવ્યા હતા. ઢાકા-17 અને બોગુરા-6 મતવિસ્તારોમાંથી જીત્યા બાદ તેમણે બીએનપીનું નેતૃત્વ સંભાળ્યું. ખાલિદા જિયાના અવસાન બાદ પાર્ટીએ જાહેરાત કરી હતી કે તેમની ચૂંટણી જીત પર તારિક રહમાન પ્રધાનમંત્રી બનશે.
![]()
બીએનપીએ પોતાના સમર્થકોને વિજય ઉજવણી કરતાં સંયમ રાખવા અને નમાજ અદા કરવાની અપીલ કરી હતી. પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ જુલૂસ અથવા રેલી યોજવામાં આવશે નહીં.
5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ થયેલા વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાની અવામી લીગ સરકારને હટાવવામાં આવી હતી. જુલાઈ-ઓગસ્ટ 2024 દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતા અને સુરક્ષાની નાજુક પરિસ્થિતિ નોંધાઈ હતી. આ ચૂંટણી સાથે 84 સૂત્રિય બંધારણીય સુધારા પેકેજ પર જનમત સંગ્રહ પણ યોજાયો હતો. આશરે 60 ટકા મતદાતાઓએ આ સુધારા પેકેજના પક્ષમાં ‘હા’ મત આપ્યો.
બીએનપી અને તેના સહયોગી દળોએ 299 સંસદીય બેઠકોમાંથી 212 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી. પાકિસ્તાન સમીપસ્થ જમાત-એ-ઇસ્લામી ગઠબંધન 77 બેઠકો સુધી સીમિત રહ્યું, જ્યારે નેશનલ સિટિઝન પાર્ટી (એનસિપિ)ને માત્ર છ બેઠકો મળી. અવામી લીગ પર ચૂંટણી લડવા પ્રતિબંધ હોવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકી નહોતી.
બીએનપીની જીત બાદ નવી સરકાર આર્થિક પુનર્નિર્માણ, રોકાણ અને પ્રાદેશિક કૂટનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી ગતિ આવી શકે છે.
બીએનપી અને તારિક રહમાનની જીત પર ભારત, અમેરિકા, ચીન અને પાકિસ્તાન સહિત અનેક દેશોએ અભિનંદન પાઠવ્યા છે. ઢાકામાં અમેરિકી દૂતાવાસે ચૂંટણી પરિણામોને લોકતંત્રની દૃષ્ટિએ સ્વાગતયોગ્ય ગણાવ્યા છે. જમાત-એ-ઇસ્લામી અને એનસિપીએ ચૂંટણી પરિણામોમાં ગડબડી અને હેરફેરના આરોપ લગાવ્યા છે. જમાત-એ-ઇસ્લામીએ ચેતવણી આપી છે કે જો જનમતનું અપહરણ થશે તો તે વ્યાપક આંદોલન કરશે.










