કേന്ദ്രની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. પાર્ટી અનુસાર, 19 જાન્યુઆરી 2026ના રોજ નામांकन પ્રક્રિયા પૂર્ણ થશે અને 20 જાન્યુઆરી 2026ના રોજ નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
પાર્ટી સંગઠનના નિર્ણય અનુસાર, હાલ કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહેલા નિતિન નબીન 19 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પોતાનું નામांकन દાખલ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક તરીકે હાજર રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

નામાંકન પ્રક્રિયા ભાજપની આંતરિક સંગઠનાત્મક પરંપરાનો ભાગ છે, જેમાં વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય નેતૃત્વના સભ્યો અને પક્ષના મુખ્ય પદાધિકારીઓ હાજર રહેશે. નામાંકન પૂર્ણ થયા બાદ 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
નિતિન નબીન બિહારના પાંચ વખતના ધારાસભ્ય છે. તેમણે 14 ડિસેમ્બર 2025ના રોજ ભાજપના કાર્યકારી અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ખરમાસના કારણે તેમનું ઔપચારિક પદભારણું થોડા સમય માટે મુલતવી રહ્યું હતું. ખરમાસ પૂર્ણ થયા બાદ હવે ભાજપ અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.
નબીને ભાજપમાં વિવિધ સંગઠનાત્મક પદો પર કામગીરી કરી છે. તેઓ ભારતીય જનતા યુવા મોરચાના બિહાર અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવેલી છે.







