1 એપ્રિલ 2026થી અનેક મહત્વપૂર્ણ નાણાકીય અને કર સંબંધિત નિયમોમાં ફેરફાર અમલમાં આવશે. આ ફેરફારોનો સીધો પ્રભાવ દૈનિક લેવડદેવડ અને વ્યક્તિગત નાણાકીય આયોજન પર પડશે. કેટલાક ક્ષેત્રોમાં રાહત આપવામાં આવી છે, જ્યારે કેટલાક ક્ષેત્રોમાં PAN અને કર સંબંધિત નિયમોમાં કડકાઈ લાવવામાં આવી છે.
PAN કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર
નવા નિયમો મુજબ નિર્ધારિત મર્યાદા સુધીના કેટલાક મોટા લેવડદેવડ માટે PAN આપવાની ફરજિયાતતા હટાવવામાં આવી છે. બેંક અથવા પોસ્ટ ઓફિસમાં વર્ષ દરમિયાન ₹10 લાખ સુધીની રોકડ જમા અથવા ઉપાડ પર PAN આપવું ફરજિયાત રહેશે નહીં. ₹5 લાખ સુધીની કાર અથવા બાઈક ખરીદી માટે PAN જરૂરી નહીં હોય. ₹20 લાખ સુધીની પ્રોપર્ટી ડીલ માટે PAN આપવાની જરૂર રહેશે નહીં. હોટેલ, રેસ્ટોરન્ટ અથવા કોઈ ફંક્શન દરમિયાન ₹1 લાખ સુધીના ખર્ચ પર PAN આપવું ફરજિયાત નહીં હોય.
ITR ફાઇલિંગ માટે નવી સમયમર્યાદા
Income Tax Return (ITR) ફાઇલિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓડિટ વગરના બિઝનેસ અથવા પ્રોફેશનલ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈના બદલે 31 ઑગસ્ટ રહેશે. સેલેરી વર્ગ તેમજ ITR-1 અને ITR-2 ફાઇલ કરનારાઓ માટે છેલ્લી તારીખ 31 જુલાઈ યથાવત રહેશે.

ઇન્શ્યોરન્સ ખરીદી વખતે PAN ફરજિયાત
1 એપ્રિલથી કોઈપણ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે PAN આપવું ફરજિયાત રહેશે. અગાઉ આ નિયમ માત્ર મોટા રકમના વ્યવહારો માટે લાગુ પડતો હતો, પરંતુ હવે દરેક પોલિસી માટે PANની માહિતી આપવી પડશે.
તે ઉપરાંત, MACT દ્વારા મળતા વળતરના વ્યાજ પર હવે કોઈ કર લાગુ પડશે નહીં.
બાળકોના શિક્ષણ પર કર રાહત
એજ્યુકેશન અને હોસ્ટેલ ભથ્થા પર કર રાહતમાં વધારો કરવામાં આવ્યો છે. એજ્યુકેશન અલાઉન્સ પરની છૂટ ₹100 પ્રતિ મહિના પરથી વધારીને ₹3,000 પ્રતિ મહિના કરવામાં આવી છે. હોસ્ટેલ અલાઉન્સ પરની છૂટ ₹300 પ્રતિ મહિના પરથી વધારીને ₹9,000 પ્રતિ મહિના કરવામાં આવી છે. આ લાભ એક બાળક માટે લાગુ પડશે અને મહત્તમ બે બાળકો સુધી મર્યાદિત રહેશે.
શેર બજારમાં ટ્રેડિંગ ખર્ચમાં વધારો
1 એપ્રિલથી ફ્યુચર્સ ટ્રેડિંગ પર Securities Transaction Tax (SST) 0.02%માંથી વધારીને 0.05% કરવામાં આવશે. ઓપ્શન પ્રીમિયમ પર SST 0.10%માંથી વધારીને 0.15% કરવામાં આવ્યો છે. ઓપ્શન એક્સરસાઇઝ પર પણ 0.15% SST લાગુ પડશે.
આ નિયમોમાં થયેલા ફેરફારો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે.









