બિલ ગેટ્સે જેફરી એપસ્ટીન સાથેના સંબંધોને જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી

બિલ ગેટ્સે જેફરી એપસ્ટીન સાથેના સંબંધોને જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી

બિલ ગેટ્સે પોતાના ચેરિટી ફાઉન્ડેશનના સ્ટાફ સમક્ષ સ્વીકાર્યું કે જેફરી એપસ્ટીન સાથેના સંબંધો તેમની જીવનની સૌથી મોટી ભૂલ હતી. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ની એક રિપોર્ટ મુજબ, ગેટ્સે જણાવ્યું કે તેમના નિર્ણયોએ ગેટ્સ ફાઉન્ડેશનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને તેમણે આ માટે માફી માંગી છે.

ગેટ્સે જણાવ્યું કે તેમનો અને એપસ્ટીનનો સંપર્ક 2011માં શરૂ થયો હતો, ત્યારે તેમને એપસ્ટીન સામે નાબાલિકોના યૌન શોષણ સંબંધિત ગંભીર આરોપોની જાણ હતી. તેમણે સ્વીકાર્યું કે આ નિર્ણય મોટી ભૂલ હતો, જેના કારણે તેમની અને ફાઉન્ડેશનની કામગીરીની પ્રતિષ્ઠા પર અસર પડી. ગેટ્સે જણાવ્યું કે તેમણે આ સંબંધમાં પોતાના કેટલાક સ્ટાફ સભ્યોને પણ સામેલ કર્યા હતા, જેના કારણે ફાઉન્ડેશન માટે મુશ્કેલીઓ ઊભી થઈ.

ગેટ્સે કહ્યું, “મારી ભૂલના કારણે જે લોકો આ વિવાદમાં ખેંચાયા છે, તેઓ પાસે હું માફી માંગુ છું.” તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે ક્યારેય એપસ્ટીનની પીડિતાઓ અથવા અન્ય મહિલાઓ સાથે કોઈ ગેરકાયદેસર સંબંધ રાખ્યો નથી.

ગેટ્સે સ્વીકાર્યું કે તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે 2013માં તેમને એપસ્ટીનથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે તે સમયે તેમણે આ ચેતવણી અવગણેલી, જ્યારે ફાઉન્ડેશનના હિત માટે તે જરૂરી પગલું હતું. ગેટ્સે મેલિન્ડાની પ્રામાણિકતાની પ્રશંસા કરતાં જણાવ્યું, “તેમને શ્રેય આપવું જોઈએ, તેઓ એપસ્ટીન સંબંધિત મુદ્દાઓમાં હંમેશા શંકાશીલ રહ્યા હતા.”

ગેટ્સે જાહેરમાં સ્વીકાર્યું કે તેમના બે રશિયન મહિલાઓ સાથે સંબંધ હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મહિલાઓ એપસ્ટીનની પીડિતાઓ નહોતી, પરંતુ એપસ્ટીનને આ સંબંધોની જાણ હતી. ગેટ્સે જણાવ્યું કે તેમણે કોઈ ગેરકાયદેસર કાર્ય કર્યું નથી, તેમ છતાં આ નિર્ણયોના કારણે ગેટ્સ ફાઉન્ડેશનની છબી પર અસર પડી.

તાજેતરમાં જાહેર થયેલી એપસ્ટીન ફાઇલ્સમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં ગેટ્સ કેટલીક મહિલાઓ સાથે દેખાઈ રહ્યા હતા. ગેટ્સે જણાવ્યું કે આ તસવીરો એપસ્ટીનના નિર્દેશ પર તેના સહાયક સ્ટાફ સાથેની બેઠકો દરમિયાન લેવામાં આવી હતી. તેમણે કહ્યું, “મેં ક્યારેય એપસ્ટીનની પીડિતાઓ અથવા અન્ય મહિલાઓ સાથે સમય વિતાવ્યો નથી.”

ગેટ્સે સ્વીકાર્યું કે એપસ્ટીન સાથેના તેમના સંબંધો અને તાજેતરમાં સામે આવેલા ઇમેલ્સના કારણે ગેટ્સ ફાઉન્ડેશનની પ્રતિષ્ઠા પર અસર થઈ છે. તેમણે જણાવ્યું, “આ ફાઉન્ડેશનના મૂલ્યો અને ઉદ્દેશ્યોના સંપૂર્ણ વિરુદ્ધ છે. અમારું કાર્ય પ્રતિષ્ઠા પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. લોકો અમારું સાથે કામ કરવા ઇચ્છે કે ન ઇચ્છે, તે તેમનો નિર્ણય છે.”

ગેટ્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે બિલ ગેટ્સ વર્ષે બે વખત ટાઉનહોલ બેઠક યોજે છે અને આ વખતે તેમણે ખુલ્લેઆમ પ્રશ્નોના જવાબ આપ્યા અને પોતાની જવાબદારી સ્વીકારી.

 

Leave a comment