FIH Pro League 2026માં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું

લંડનમાં રમાયેલા FIH પ્રો લીગ 2026ના મુકાબલામાં ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. ભારતે 1-0થી પાછળ હોવા છતાં વાપસી કરીને 4-1ની લીડ મેળવી અને અંતે પાકિસ્તાનના અંતિમ દબાણ વચ્ચે જીત જાળવી રાખી.

ભારતીય પુરુષ હોકી ટીમે લંડનમાં રમાયેલા FIH પ્રો લીગ 2026ના મુકાબલામાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. મેચની શરૂઆતમાં પાકિસ્તાને લીડ મેળવી હતી, પરંતુ ભારતે જોરદાર વાપસી કરીને અંતે જીત નોંધાવી.

મેચની શરૂઆત પાકિસ્તાનના પક્ષમાં રહી. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમને અનેક પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ પાકિસ્તાનના ડિફેન્સે તેમને ગોલમાં પરિવર્તિત થવા દીધા નહોતા. આ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત સિંહના એક ઝડપી શોટને રોકવાના પ્રયાસમાં પાકિસ્તાની ખેલાડી અબ્દુલ મન્નાન ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે થોડા સમય માટે રમત રોકાઈ હતી. પ્રથમ ક્વાર્ટરના અંતે પાકિસ્તાને 1-0ની લીડ મેળવી હતી, જ્યારે ભારત પોતાના અવસરોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું હતું.

બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે આક્રમક રમત દર્શાવીને મેચમાં વાપસી કરી. સ્ટાર ફોરવર્ડ અભિષેકે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ નીલકાંત શર્માએ પોતાનો 19મો આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાવી ભારતને 2-1ની લીડ અપાવી હતી. હાફટાઈમ સુધી ભારતે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી હતી અને પાકિસ્તાન પર દબાણ ઊભું કર્યું હતું.

FIH Pro League 2026માં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું

ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે પોતાના રમતમાં વધુ ધાર લાવી હતી. મિડફિલ્ડ અને ફોરવર્ડ લાઇન વચ્ચે ઉત્તમ તાલમેલ જોવા મળ્યો હતો. આ ક્વાર્ટરમાં સુખજીત સિંહે ગોલ કરીને ભારતની લીડ 3-1 કરી હતી. ભારતે સતત આક્રમક રમત દાખવી પાકિસ્તાનને રક્ષણાત્મક સ્થિતિમાં ધકેલી દીધું હતું. આ તબક્કે ભારતીય ટીમ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખી રહી હતી.

ચોથા ક્વાર્ટરમાં ભારતે વધુ એક પેનલ્ટી કોર્નરનો લાભ લઈ ચોથો ગોલ નોંધાવ્યો અને સ્કોર 4-1 કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને જોરદાર વાપસી કરી. અંતિમ મિનિટોમાં પાકિસ્તાને સતત બે ગોલ કરીને સ્કોર 4-3 સુધી પહોંચાડ્યો હતો, જેના કારણે મેચ રોમાંચક બની ગઈ હતી. મેચના અંતિમ ક્ષણોમાં પાકિસ્તાને બરાબરી માટે પ્રયાસો કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવતાં ભારતે 4-3થી જીત નોંધાવી.

 

Leave a comment