મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની એલપીજી અને કાચા તેલની સપ્લાઈ અંગે ચિંતા વધતી હોવા છતાં, પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પુરવઠો સતત ચાલુ છે.
પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું કે ભારત પોતાની કાચા તેલની જરૂરિયાત લગભગ 40 અલગ અલગ દેશોમાંથી પૂરી કરે છે. આથી કોઈ એક પ્રદેશ પર નિર્ભરતા રહેતી નથી.
ભારતની કુલ કાચા તેલની ખપત લગભગ 189 મિલિયન મેટ્રિક ટન છે અને રોજ લગભગ 55 લાખ બેરલ તેલની જરૂર પડે છે. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિ છતાં સપ્લાઈ સતત ચાલુ છે અને તાજેતરમાં ભારત માટે કાચા તેલના બે કાર્ગો પણ રવાના કરવામાં આવ્યા છે.
સુજાતા શર્માએ જણાવ્યું કે ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે ભારતે સપ્લાઈના અનેક વિકલ્પો તૈયાર કર્યા છે. હાલમાં લગભગ 70 ટકા કાચું તેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સિવાયના અન્ય માર્ગોથી ભારતમાં પહોંચે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ઘરેલુ પીએનજી અને વાહનોમાં વપરાતી સીએનજીની સપ્લાઈ પણ સંપૂર્ણપણે સામાન્ય છે. વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે મર્યાદિત અસર જોવા મળી શકે છે, પરંતુ આવશ્યક સેવાઓ પર તેનો કોઈ નકારાત્મક અસર નથી.
સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું કે એલપીજી સિલિન્ડર માટે લોકોને ગભરાવાની જરૂર નથી. બુકિંગ પછી લગભગ ઢાઈ દિવસની અંદર સિલિન્ડરની ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
![]()
તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વ માટે આ પડકારજનક સમય છે, પરંતુ ભારતમાં ઊર્જા પુરવઠાની સ્થિતિ હાલ સ્થિર છે અને નિયંત્રણમાં છે. ગ્રાહકોને સામાન્ય સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની અછત થવા દેવામાં આવશે નહીં.
તાજેતરમાં હોર્મુઝ જળડમરૂમધ્યમાં ભારતના કુલ 28 જહાજ તૈનાત છે. તેમાંના 24 જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પશ્ચિમ ભાગમાં છે, જેમાં કુલ 677 ભારતીય નાવિક કાર્યરત છે. જ્યારે 4 જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પૂર્વ ભાગમાં છે, જેમાં 11 ભારતીય નાવિક હાજર છે.
મંત્રાલય અને ભારતીય નૌસેનાએ પરિસ્થિતિ પર સતત નજર રાખી છે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ માટે તૈયારી રાખી છે.
મિડલ ઈસ્ટમાં તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતે ઊર્જા સુરક્ષા મજબૂત કરવાની દિશામાં પગલાં લીધા છે. અલગ અલગ દેશોમાંથી આયાત અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિર્ભરતા ઘટાડવાના પગલાંથી દેશમાં તેલ અને ગેસની સતત ઉપલબ્ધતા જાળવી રાખવામાં આવી રહી છે.
દેશમાં તેલ અને ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકારી અને ખાનગી કંપનીઓ સંયુક્ત રીતે કામ કરી રહી છે.





