લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન હેઠળ તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને મહિલાઓ અને કિશોરીઓના સશક્તિકરણ તેમજ જૅન્ડર સેન્સિટાઇઝેશન ક્ષેત્રે તેમના કાર્ય માટે વર્ષ 2025ના “United Nations Military Gender Advocate of the Year Award” માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન લેબનાનમાં મહિલાઓ અને યુવતીઓ વચ્ચે કરાયેલા તેમના આઉટરીચ કાર્ય માટે આપવામાં આવી રહ્યું છે.
તૈનાતી દરમિયાન મેજર અભિલાષા બરાકે સ્થાનિક સમુદાયની મહિલાઓ અને કિશોરીઓ સાથે સક્રિય રીતે જોડાઈ શાંતિ સ્થાપનાના પ્રયાસોને મજબૂત બનાવ્યા હતા. સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષકો માટે જૅન્ડર-સેન્સિટાઇઝેશન તાલીમ કાર્યક્રમો પણ આયોજિત કર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સન્માન એવા સૈન્ય શાંતિરક્ષકોને આપવામાં આવે છે જેમણે પોતાના કાર્યક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી, સુરક્ષા અને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
મેજર અભિલાષા બરાક હાલમાં લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ દળ (UNIFIL) સાથે ભારતીય બટાલિયનમાં ફીમેલ એન્ગેજમેન્ટ ટીમ (FET) ની કમાન્ડર તરીકે કાર્યરત છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓ વચ્ચે જાગૃતિ વધારવા માટે અનેક આઉટરીચ કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું.

તેમની પ્રવૃત્તિઓમાં મહિલાઓ અને યુવતીઓ સાથે સમુદાય સ્તરે સંવાદ સ્થાપિત કરવો, શિક્ષણ, સુરક્ષા અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ અભિયાન ચલાવવું, શાંતિરક્ષકો માટે જૅન્ડર સેન્સિટાઇઝેશન તાલીમનું આયોજન કરવું અને સ્થાનિક સમુદાયો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવાનો સમાવેશ થાય છે.
આ પ્રયાસોથી સ્થાનિક સ્તરે મહિલાઓની ભાગીદારીમાં વધારો થયો હતો અને શાંતિ અભિયાનોમાં લૈંગિક દૃષ્ટિકોણને મજબૂત બનાવવામાં મદદ મળી હતી.
મેજર અભિલાષા બરાક ભારતીય સેનાની પ્રથમ મહિલા કોમ્બેટ હેલિકોપ્ટર પાઇલટ પણ છે. આ પુરસ્કાર 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે આપવામાં આવશે.
આ સન્માન સાથે મેજર બરાક ભારતની ત્રીજી અધિકારી બનશે જેમને આ વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અગાઉ આ સન્માન મેળવનાર ભારતીય અધિકારીઓમાં મેજર સુમન ગવાણી (2019) – દક્ષિણ સુદાન અને મેજર રાધિકા સેન (2023) – કોંગો લોકતાંત્રિક ગણરાજ્યનો સમાવેશ થાય છે.
આ પુરસ્કાર વર્ષ 2016માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોના સૈન્ય મામલાઓના કાર્યાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ એવા સૈન્ય શાંતિરક્ષકોને સન્માનિત કરવાનો છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1325 (Women, Peace and Security) ના સિદ્ધાંતોને સક્રિય રીતે અમલમાં મૂકે છે. આ પહેલ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મહિલાઓની ભૂમિકાને મજબૂત કરવા અને શાંતિ પ્રક્રિયામાં તેમની ભાગીદારી વધારવા પર કેન્દ્રિત છે.











