જાપાનમાં લગ્ન બાદ પતિ અને પત્નીએ એક જ સરનેમ રાખવું કાનૂની રીતે ફરજિયાત છે. આ નિયમ 1898માં અમલમાં આવેલા સિવિલ કોડ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો અને તેને લગભગ 125 વર્ષ જૂની પ્રથા માનવામાં આવે છે. આ મુજબ દંપતી કાનૂની રીતે એક જ કુટુંબી નામ અપનાવે છે, પરંતુ હવે સરકાર આ નિયમમાં ફેરફાર અંગે વિચારણા કરી રહી છે જેથી દંપતી પોતાની પસંદગી મુજબ અલગ-અલગ સરનેમ રાખી શકે.
કાયદામાં સ્પષ્ટ રીતે એવું લખાયેલું નથી કે ફક્ત પત્નીએ જ પોતાનું નામ બદલવું પડે, પરંતુ જાપાનના સમાજમાં લગભગ 95 ટકા કેસોમાં મહિલાઓ પોતાના માયકા નું નામ છોડીને પતિનું સરનેમ અપનાવે છે. તેના કારણે લગ્ન બાદ મહિલાઓના કારકિર્દી, વ્યાવસાયિક ડિગ્રી, પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોમાં ગૂંચવણ સર્જાય છે. આ કારણસર છેલ્લા વર્ષોમાં આ કાયદા સામે વ્યાપક વિરોધ થયો છે અને અનેક કાનૂની લડાઈઓ પણ શરૂ થઈ છે.
વધતા વિરોધ અને મહિલાઓની માંગને ધ્યાનમાં રાખીને જાપાન સરકારે આ કાયદામાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે. સરકાર હાલમાં 'Selective Surname System' પર વિચાર કરી રહી છે, જેમાં દંપતી પોતે નક્કી કરી શકે કે તેઓ એક જ સરનેમ રાખશે કે પોતાના મૂળ નામ જાળવી રાખશે. આ વ્યવસ્થામાં લગ્ન પછી કાનૂની નામ એક જ રહી શકે છે, પરંતુ વ્યક્તિગત અને વ્યાવસાયિક દસ્તાવેજોમાં મહિલાઓ પોતાના લગ્ન પૂર્વના નામનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.
![]()
જાપાનમાં આ નિયમ 'કુનસેઈ' સિસ્ટમનો ભાગ માનવામાં આવે છે. તેના હેઠળ લગ્ન નોંધણી સમયે અલગ-અલગ સરનેમ નોંધાવી શકાતા નથી. જો દંપતી અલગ નામ રાખવા માંગે તો તેમની લગ્ન નોંધણીને કાનૂની માન્યતા આપવામાં આવતી નથી. વિશ્વમાં જાપાન એકમાત્ર વિકસિત દેશ છે જ્યાં આ નિયમ કડક રીતે અમલમાં છે. તેના કારણે જાપાનમાં પરંપરાગત પરિવાર અને નામ પ્રણાલી લાંબા સમય સુધી જળવાઈ રહી છે.
એક જાપાની પ્રોફેસરે જણાવ્યું કે સતત એક જ સરનેમ અપનાવવાના કારણે નાના અને જુદા સરનેમ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. જો આ કાયદામાં ફેરફાર નહીં થાય તો અંદાજ મુજબ વર્ષ 2531 સુધી જાપાનમાં નાગરિકોના સરનેમ 'સાતો' જેવા સામાન્ય નામમાં બદલાઈ શકે છે. આ પરિસ્થિતિ દેશભરમાં નામોની વૈવિધ્યતા માટે જોખમ બની શકે છે અને સામાજિક ઓળખ પર અસર કરી શકે છે.
આ કાયદા અંગે જાપાનની સુપ્રીમ કોર્ટમાં અનેક વખત ચર્ચા થઈ છે. અદાલતે કાયદાને સંપૂર્ણપણે રદ કર્યો નથી, પરંતુ સરકારે નવા કાયદા પર વિચાર કરવાની સલાહ આપી છે. તેના પરિણામરૂપ સરકારે મધ્યમ માર્ગ તરીકે એવી વ્યવસ્થા પર વિચાર કર્યો છે જેમાં સરકારી દસ્તાવેજોમાં પતિ-પત્ની એક જ નામનો ઉપયોગ કરશે, પરંતુ ઓફિસ, બેંક અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોમાં મહિલાઓ પોતાના લગ્ન પહેલાંના નામનો ઉપયોગ ચાલુ રાખી શકશે.
જાપાનમાં મોટી કંપનીઓ અને નાગરિક સમાજના સંગઠનોએ પણ આ મુદ્દે સરકાર પર દબાણ વધાર્યું છે. તેમનું કહેવું છે કે આ નિયમ માનવ અધિકારોના વિરુદ્ધ છે અને વ્યક્તિગત ઓળખના અધિકારનું ઉલ્લંઘન કરે છે. Selective Surname System અમલમાં આવે તો મહિલાઓ પોતાની ઓળખ જાળવી રાખી શકશે અને લગ્ન પછી તેમના કારકિર્દી પર અસર નહીં પડે.





