મૂડીઝ (Moody's) નામની રેટિંગ એજન્સીએ મંગળવારે ભારતના આર્થિક વિકાસ અંગે સકારાત્મક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં જણાવાયું છે કે 2024-25માં ભારતીય અર્થતંત્ર 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. આ દર G-20ના વિકસિત અને ઉભરતા દેશોમાં સૌથી વધુ રહેશે.
Moody's Report: મૂડીઝે તેના તાજા અહેવાલમાં ભારતના અર્થતંત્ર અંગે સકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. રેટિંગ એજન્સી મુજબ, 2024-25માં ભારતનું GDP 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે G-20ના અન્ય વિકસિત અને ઉભરતા બજારો કરતાં સૌથી ઝડપી રહેશે. મૂડીઝે ભારતના આ ઝડપી વિકાસ દર પાછળ સરકાર દ્વારા આપવામાં આવેલી ટેક્ષ છૂટ, RBI દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોનો વધતો વિશ્વાસ જણાવ્યો છે.
ભારતની આર્થિક તાકાતના મુખ્ય કારણો
ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ પાછળ ઘણા મહત્વપૂર્ણ પરિબળો છે. મૂડીઝ મુજબ, ભારતમાં ઇન્કમ ટેક્ષ સ્લેબમાં કરવામાં આવેલા ફેરફારોથી સ્થાનિક ગ્રાહકોના ખર્ચને પ્રોત્સાહન મળ્યું છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્ષ ન હોવાથી લોકોનો ખર્ચ વધ્યો છે, જે દેશના અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.
આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કર્યો હતો અને હવે 9 એપ્રિલે વધુ ઘટાડાની અપેક્ષા છે. આ પગલાથી લોનની કિંમત ઘટશે અને અર્થતંત્રમાં ગતિ આવશે. ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ અને બાહ્ય દેવું પણ ઓછું છે, જે તેને વૈશ્વિક સંકટોથી બચાવવા માટે મજબૂતી આપે છે.
અમેરિકાની નીતિઓથી બચવાની ક્ષમતા
મૂડીઝે એમ પણ જણાવ્યું છે કે, જ્યારે અમેરિકન નીતિઓથી ઉભરતા બજારોમાં મૂડીનો પ્રવાહ થઈ શકે છે, ત્યારે ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશો પાસે આ પડકારનો સામનો કરવાની તાકાત છે. ભારતનું મોટું સ્થાનિક બજાર, સ્થિર નાણાકીય નીતિ અને પુરતા વિદેશી મુદ્રા ભંડોળ તેને અમેરિકન ટેરિફ નીતિના પ્રભાવથી બચાવવામાં મદદ કરશે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, ચીનમાં નિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં વધારા છતાં સ્થાનિક માંગ નબળી રહી છે. જ્યારે, અર્જેન્ટિના અને કોલંબિયા જેવા નાના દેશો ડોલરની સામે પોતાની કરન્સીમાં ઉતાર-ચઢાવથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જે તેમના વિકાસને અસર કરશે.
ભારતને ટોપ-3 ઇકોનોમીનો દરજ્જો મળી શકે છે
મૂડીઝનું માનવું છે કે ભારતમાં મજબૂત સ્થાનિક માંગ, ટેક્ષ સુધારા અને RBIની સરળ લોન નીતિ અર્થતંત્રને સમર્થન આપશે. સાથે જ, જો સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારે છે અને RBI ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડો કરે છે, તો ભારત 2025 સુધીમાં વિશ્વની ટોચની 3 અર્થતંત્રોમાં સામેલ થઈ શકે છે.