ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ISRO એ એનવીએસ–02 મિશન દરમિયાન આવેલી તકનિકી ખામી અંગે વિગતવાર અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલ મુજબ ઉપગ્રહને અંડાકાર કક્ષાથી ગોળાકાર કક્ષામાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી અને ભવિષ્યના મિશનો માટે જરૂરી સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ મિશન 29 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તમામ પ્રક્રિયાઓ સામાન્ય રહી, પરંતુ કક્ષા વધારવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તકનિકી સમસ્યા સામે આવી. ISROની એપેક્સ કમિટીએ તપાસ પૂર્ણ કરીને કારણો અને સુધારાઓની માહિતી જાહેર કરી છે.
એનવીએસ–02 ઉપગ્રહને GSLV-F15 મારફતે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો. રૉકેટે ઉપગ્રહને તેની નિર્ધારિત અંડાકાર કક્ષા 170 ગુણ્યા 37,785 કિલોમીટર માં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો. લોન્ચ પછી ઉપગ્રહ નિર્ધારિત સમયે લોન્ચ વ્હીકલથી અલગ થયો. ત્યારબાદ સોલાર પેનલ તૈનાત કરવામાં આવ્યા અને વીજ ઉત્પાદન શરૂ થયું.

અલગ થયા પછી સ્પેસક્રાફ્ટે ઓરિએન્ટેશન સ્થિર કરવા અને સિસ્ટમ ચકાસણી સહિતની અનેક ઓટોનોમસ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી. આ તમામ તબક્કાઓ દરમિયાન કોઈ મોટી સમસ્યા નોંધાઈ નહોતી.
સમસા ત્યારે સામે આવી જ્યારે અંડાકાર કક્ષાથી ગોળાકાર કક્ષામાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયાને ઓર્બિટ રેઝિંગ કહેવામાં આવે છે. તેનો હેતુ ઉપગ્રહને અંતિમ નિર્ધારિત ગોળાકાર કક્ષામાં સ્થાપિત કરવાનો હતો.
ISRO મુજબ ઓર્બિટ રેઝિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી. નિર્ધારિત એન્જિન ફાયરિંગ અપેક્ષિત રીતે થઈ શક્યું નહોતું. ત્યારબાદ મિશન ટીમે પરિસ્થિતિનું વિશ્લેષણ શરૂ કર્યું અને એપેક્સ કમિટી નામની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી.
એપેક્સ કમિટીએ ટેલિમેટ્રી ડેટા અને સિમ્યુલેશન અભ્યાસના આધારે તપાસ કરી. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે મુખ્ય સમસ્યા ડ્રાઇવ સિગ્નલ એન્જિનની ઓક્સિડાઇઝર લાઇન સુધી ન પહોંચવાથી સંબંધિત હતી. આ સિગ્નલ પાયરો વાલ્વ સુધી પહોંચવું જરૂરી હતું જેથી એન્જિન સક્રિય થઈ કક્ષા પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ કરે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેઇન અને રિડન્ડન્ટ કનેક્ટર પાથમાં ઓછામાં ઓછો એક કોન્ટેક્ટ અલગ પડવાની સંભાવના હતી. તેના કારણે સિગ્નલ આગળ ન પહોંચી શક્યો અને એન્જિન અપેક્ષિત રીતે કાર્યરત થઈ શક્યું નહોતું. પરિણામે કક્ષા પરિવર્તનની પ્રક્રિયા અધૂરી રહી.
અહેવાલ મુજબ એપેક્સ કમિટીએ પાયરો સિસ્ટમની રિડન્ડન્સી અને વિશ્વસનીયતા વધારવા માટે ભલામણો કરી છે અને તે તરત અમલમાં મુકવામાં આવી છે. તેનો હેતુ ભવિષ્યમાં સિગ્નલ ટ્રાન્સમિશન અને એન્જિન સક્રિયકરણમાં અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ સુધારા 2 નવેમ્બર 2025ના રોજ લોન્ચ કરાયેલા CMS–03 મિશનમાં અમલમાં મુકાયા હતા. આ મિશન LVM-3 M5 મારફતે મોકલાયું હતું. આ મિશનમાં પાયરો સિસ્ટમ અપેક્ષિત મુજબ કાર્યરત રહી અને ઉપગ્રહને નિર્ધારિત કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો.











