પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલની રાજકીય મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલની રાજકીય મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય રાજકીય મુલાકાતે ઇઝરાયેલ જવા રવાના થઈ રહ્યા છે. આ મુલાકાત તેમના નજીકના સહયોગી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર થઈ રહી છે. આ પ્રવાસને ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

પ્રવાસ પહેલાં દેશમાં રાજકીય નિવેદનો તેજ બન્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી એ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત અંગે નિવેદન આપતાં એક મુદ્દે અવાજ ઉઠાવવાની માંગ કરી છે.

પ્રિયંકા ગાંધી એ જણાવ્યું કે તેમને આશા છે કે પ્રધાનમંત્રી મોદી ઇઝરાયેલની સંસદને સંબોધિત કરતી વખતે ગાઝામાં માર્યા ગયેલા હજારો નિર્દોષ પુરુષો, મહિલાઓ અને બાળકોનો ઉલ્લેખ કરશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીને તેમના માટે ન્યાયની માંગ કરવી જોઈએ.

તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતે હંમેશા સત્યનો સાથ આપ્યો છે અને દેશે વિશ્વ સમક્ષ શાંતિ અને ન્યાયનો સંદેશ આપવો જોઈએ. આ નિવેદન પશ્ચિમ એશિયામાં તણાવની પરિસ્થિતિ અને ગાઝા મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં હોવા સમયે આવ્યું છે.

ઇઝરાયેલ જવા પૂર્વે પ્રધાનમંત્રી મોદી એ જણાવ્યું કે તેઓ પોતાના પ્રિય મિત્ર પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર રાજકીય મુલાકાતે જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત અને બહુઆયામી વ્યૂહાત્મક ભાગીદારી છે, જેણે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે તેઓ નેતન્યાહૂ સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, નવોચાર, કૃષિ, જળ વ્યવસ્થાપન, રક્ષા અને સુરક્ષા, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે. ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇઝરાયેલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરશે અને આવું કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનશે. પ્રધાનમંત્રી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે પણ મુલાકાત કરશે. ઉપરાંત તેઓ ત્યાં રહેતા ભારતીય પ્રાવાસી સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરશે. સરકારના અનુમાન મુજબ આ પ્રવાસ ભારત-ઇઝરાયેલ સંબંધોને વધુ ગાઢ બનાવશે અને રક્ષા, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ચાલી રહેલો સહકાર વધુ મજબૂત થઈ શકે છે.

 

Leave a comment