પ્રધાનમંત્રી મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં વિકસિત ભારત 2047, સર્વસમાવેશક માનવ વિકાસ, રોજગાર, કૌશલ્ય વિકાસ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓના અમલીકરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, ગુરુવારે નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકની થીમ “વિકસિત ભારત 2047 માટે સર્વસમાવેશક માનવ વિકાસ” રાખવામાં આવી છે.

આ બેઠક દેશના દીર્ઘકાલીન વિકાસ વિઝન “વિકસિત ભારત 2047” માટેના રોડમૅપને આકાર આપવાની દિશામાં યોજાઈ રહી છે. બેઠક દરમિયાન કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવતા દેશના ભવિષ્યના વિકાસ મોડેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. બેઠકમાં ચર્ચા માટેનું મુખ્ય માળખું “સર્વસમાવેશક માનવ વિકાસ ફ્રેમવર્ક” પર આધારિત રહેશે.

આ ફ્રેમવર્કના ચાર મુખ્ય સ્તંભોમાં મૂળભૂત માનવ મૂડી અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકાસ, ઉત્પાદક રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, આરોગ્ય અને પોષણમાં સુધારો તેમજ સૌ માટે સમાનતા અને સન્માન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે

સરકારનો ઉદ્દેશ આ ચાર ક્ષેત્રોમાં સંતુલિત પ્રગતિ દ્વારા ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.

બેઠકમાં રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી આર્થિક વૃદ્ધિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સાથે જ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)ના વિસ્તરણ અને તેના વધુ અસરકારક ઉપયોગ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.

નીતિ આયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકાશે, જેથી વિકાસ યોજનાઓનો અમલ તળિયાના સ્તરે વધુ અસરકારક બની શકે.

આધુનિક અને પારદર્શક શાસન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ડેટા આધારિત મોનિટરિંગ સિસ્ટમ અંગે પણ વિચારણા કરવામાં આવશે. તેમાં અલ્પકાલીન, મધ્યમ અવધિ અને દીર્ઘકાલીન લક્ષ્યોની પ્રગતિની નિયમિત સમીક્ષા માટેની વ્યવસ્થા સામેલ રહેશે. તેનો હેતુ વિકાસ યોજનાઓના અમલીકરણ અને તેમના પ્રભાવનું વાસ્તવિક સમયમાં મૂલ્યાંકન સુનિશ્ચિત કરવાનો છે.

ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં તાજેતરમાં યોજાયેલા મુખ્ય સચિવોના રાષ્ટ્રીય પરિષદની ભલામણોની પણ સમીક્ષા કરવામાં આવશે. આ પરિષદ 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાઈ હતી.

 

Leave a comment