મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારની તબિયત સુધારાની દિશામાં હોવાનું જણાવાયું છે. છાતીમાં તકલીફ અને સતત ખાંસીની ફરિયાદ બાદ સોમવાર (9 ફેબ્રુઆરી)ના રોજ તેમને પુણે સ્થિત રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 85 વર્ષીય પવાર હાલમાં તબીબી દેખરેખ હેઠળ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
તેમની દીકરી અને બારામતીથી લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ મંગળવારે તેમના આરોગ્ય અંગે સત્તાવાર માહિતી આપી. સુલેએ મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું કે શરદ પવારની તબિયત ગઇકાલની સરખામણીએ આજે વધુ સારી છે. તેમણે કહ્યું કે પવાર હાલમાં એન્ટિબાયોટિક્સ પર છે, જે આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે. તેમના જણાવ્યા મુજબ, ખાંસી સિવાય હાલ કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા નથી અને અન્ય તમામ પેરામિટર્સ સામાન્ય છે.
સુલેએ શરદ પવારના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરનારાઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો તેમજ તેમની સારવાર કરી રહેલી મેડિકલ ટીમનો પણ આભાર માન્યો.
![]()
આ પહેલા સોમવાર મોડી રાત્રે શરદ પવારના પૌત્ર અને ધારાસભ્ય રોહિત પવારે તેમના આરોગ્ય અંગે અપડેટ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રૂબી હોસ્પિટલમાં વિસ્તૃત તબીબી તપાસ કરવામાં આવી છે અને પવારને કોઈપણ પ્રકારના બાહ્ય ઓક્સિજન સપોર્ટની જરૂર નથી. રોહિત પવારના જણાવ્યા મુજબ, શરદ પવારને આઈસીયુમાં રાખવામાં આવ્યા નથી અને તેઓ હોસ્પિટલના એક પ્રાઇવેટ રૂમમાં આરામ કરી રહ્યા છે.
મેડિકલ રિપોર્ટ્સ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે તેમની સારવાર પુણેમાં જ ચાલુ રહેશે કે તેમને મુંબઈ ખસેડવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી શરદ પવારને સતત ખાંસી અને છાતીમાં અસહજતા અનુભવાઈ રહી હતી, જેના પગલે ડોક્ટરોએ સાવચેતીરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.








