સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી પદની શપથ લેવાના છે. શપથગ્રહણ પૂર્વે તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને એનસીપીના ધારાસભ્ય દળની બેઠક બાદ તેમને નેતા તરીકે પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

દિવંગત એનસીપી પ્રમુખ અજિત પવારની પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી પદની શપથ લેવાની છે. શપથગ્રહણ પહેલાં તેઓ શનિવાર સવારે પોતાના પુત્ર પાર્થ પવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા.

મુંબઈમાં પહોંચ્યા બાદ સુનેત્રા પવાર દક્ષિણ મુંબઈ સ્થિત તેમના દિવંગત પતિ અજિત પવારના સત્તાવાર નિવાસ ‘દેવગિરી’ ગયા હતા. ત્યારબાદ શનિવાર બપોરે મુંબઈમાં એનસીપીના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, જેમાં સુનેત્રા પવારને ઔપચારિક રીતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. બેઠક પછી સાંજે તેઓ ઉપ મુખ્યમંત્રી પદની શપથ લેશે.

એનસીપીના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી છગન ભુજબળે જણાવ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો આ નિર્ણયના સમર્થનમાં છે અને સુનેત્રા પવારને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવશે.

એનસીપી પ્રમુખ અને મહારાષ્ટ્રના નેતા અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતી નજીક થયેલા વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના અવસાન બાદ પાર્ટીએ સુનેત્રા પવારને ઉપ મુખ્યમંત્રી પદ માટે આગળ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

62 વર્ષીય સુનેત્રા પવાર હાલ મહારાષ્ટ્ર વિધાનસભા અથવા વિધાનપરિષદના સભ્ય નથી. તેમ છતાં પાર્ટી દ્વારા તેમને ઉપ મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવી રહ્યા છે.

આ નિર્ણય અંગે એનસીપી (શરદ પવાર જૂથ) અને પવાર પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવાર અને તેમના પરિવારના સભ્યો આ નિર્ણયથી અજાણ હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે જણાવ્યું હતું કે ઉપ મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેવાનો અધિકાર એનસીપીનો છે અને ભાજપ તે નિર્ણયને સમર્થન આપશે. નાગપુરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે મહાયુતિ સરકાર એનસીપી અને અજિત પવારના પરિવાર સાથે ઊભી છે અને પાર્ટી જે પણ નિર્ણય લે તે સરકારને માન્ય રહેશે.

સુનેત્રા પવાર અગાઉ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે બારામતી બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેમનો મુકાબલો એનસીપી-એસપીની સાંસદ સુપ્રિયા સુલે સામે થયો હતો. આ ચૂંટણીમાં સુનેત્રા પવાર પરાજિત થયા હતા. બાદમાં તેઓ રાજ્યસભા માટે પસંદ થયા હતા અને હવે તેમને ઉપ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

 

Leave a comment