ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની ચર્ચાઓ વચ્ચે આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જે કોઈ દેશ ઈરાનની ઇસ્લામિક રિપબ્લિક સાથે વ્યવસાય કરશે, તે દેશ પર અમેરિકા 25 ટકા ટેરિફ લાદશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથે વેપારિક સંબંધ રાખનારા દેશોને અમેરિકા સાથે થતી તમામ વ્યવસાયિક લેવડદેવડ પર આ ટેરિફ ચૂકવવો પડશે.
ટ્રમ્પે આ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે અને તેને અંતિમ અને નિર્ણાયક નિર્ણય તરીકે વર્ણવ્યો હતો.
ટ્રમ્પ પ્રશાસન મુજબ, ઈરાનમાં વધી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનકારો સામે ત્યાંની સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ ઈરાનના નેતૃત્વ પર દબાણ બનાવવાનો છે જેથી સરકાર પોતાના વલણમાં ફેરફાર કરે.

ઈરાન સાથે વેપાર કરતા દેશોમાં માત્ર તેના પડોશી દેશો જ નહીં પરંતુ ભારત, ચીન, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત જેવી મોટી અર્થવ્યવસ્થાઓ પણ સામેલ છે. આવા સંજોગોમાં આ નિર્ણયનો પ્રભાવ માત્ર ઈરાન સુધી સીમિત રહેવાનો નથી અને અમેરિકા સાથે વેપારિક સંબંધ ધરાવતા અન્ય દેશો પર પણ તેની અસર પડી શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. જો આ ટેરિફ નીતિ લાગુ થાય અને ભારતને પણ તેના દાયરા હેઠળ લાવવામાં આવે, તો બંને દેશોના વેપારિક સંબંધો પર અસર પડી શકે છે. ભારત ઈરાન સાથે ઊર્જા જરૂરિયાતો અને અન્ય વ્યૂહાત્મક કારણોસર જોડાયેલું રહ્યું છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં આ ટેરિફ નીતિ કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તે અંગે કોઈ વિગત આપી નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે કયા દેશોને સીધા રીતે તેના દાયરામાં લાવવામાં આવશે અથવા માનવીય સહાય અને વ્યૂહાત્મક જરૂરિયાતો સાથે જોડાયેલા વેપારને કોઈ છૂટ મળશે કે નહીં. આ સ્પષ્ટતા ન થવાને કારણે અનિશ્ચિતતા યથાવત રહી છે.
ટ્રુથ સોશિયલ પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ઈરાન સાથે વ્યવસાય કરનારા કોઈપણ દેશને અમેરિકા સાથે થતા તમામ વેપાર પર 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે અને આ મામલે કોઈપણ પ્રકારની નરમી રાખવામાં નહીં આવે.









