હોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાંથી દિગ્ગજ અભિનેતા, નિર્દેશક અને નાટ્યકાર ટોમ નૂનનનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 14 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા.
ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં નૂનને ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર—ત્રણે માધ્યમોમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. 1980ના દાયકાથી લઈને 2010ના દાયકાની વચ્ચે તેમણે 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને અનેક યાદગાર ભૂમિકાઓ નિભાવી.
ટોમ નૂનન પોતાના ગહન, પ્રભાવશાળી અને ઘણી વખત રહસ્યમય પાત્રો માટે જાણીતા હતા. તેમની ઊંચી કાયાકૃતિ અને સશક્ત સ્ક્રીન પ્રેઝન્સને કારણે તેમને હોલિવૂડમાં વિશિષ્ટ ઓળખ મળી હતી.
ટોમ નૂનનને વ્યાપક લોકપ્રિયતા 1993ની એક્શન ફિલ્મ Last Action Hero દ્વારા મળી, જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા નિભાવી હતી. ઉપરાંત 1990ની સાયન્સ-ફિક્શન ફિલ્મ RoboCop 2માં તેમનું પાત્ર ‘રોબોકેેન’ ચર્ચામાં રહ્યું હતું.
તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત 1980માં આવેલી ફિલ્મ Willie & Philથી કરી હતી. ત્યારબાદ તેમણે Manhunter, Heat, Mystery Train અને The Alphabet Killer સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું.
![]()
થિયેટર ક્ષેત્રમાં પણ તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું. ઑફ-બ્રોડવે પ્રોડક્શન What Happened Was... તેમના કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં તેમણે અભિનય સાથે નિર્દેશન પણ કર્યું હતું.
નૂનનના અવસાનની પુષ્ટિ તેમની મિત્ર અને સહ-અભિનેત્રી કેરેન સિલાસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું કે ટોમ સાથે કામ કરવું તેમના કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતું અને એક અભિનેતા તરીકે તેમના જીવન અને કામમાં નૂનનનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. કેરેન સિલાસ અને ટોમ નૂનને What Happened Was...માં સાથે કામ કર્યું હતું.
1980થી 2018 સુધી સક્રિય રહેલા નૂનને પોતાના કારકિર્દીમાં ખલનાયકથી લઈને જટિલ પાત્રો સુધી વિવિધ પ્રકારની ભૂમિકાઓ નિભાવી હતી.








