કોલ્ડ્રિફ કફ સિરપ (Coldrif Cough Syrup) થી થયેલાં મૃત્યુ બાદ તમિલનાડુ સરકારે કડક પગલાં લીધાં છે. આ કફ સિરપ બનાવતી શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ કફ સિરપના સેવનથી મધ્યપ્રદેશમાં 22 બાળકોના મોત થયા હતા.
ચેન્નઈ: મધ્યપ્રદેશમાં 22 બાળકોના મૃત્યુ પછી Coldrif કફ સિરપને લઈને તમિલનાડુ સરકારે કડક કાર્યવાહી કરી છે. કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. કંપનીના માલિક રંગનાથનની ધરપકડ કરીને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે બે વરિષ્ઠ ડ્રગ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે.
આ કાર્યવાહી હેઠળ તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે રાજ્યમાં દવા બનાવતી અન્ય તમામ કંપનીઓની પણ તપાસનો આદેશ આપ્યો છે, જેથી કોઈપણ પ્રકારની બેદરકારી અને હાનિકારક દવાઓના ઉત્પાદનને અટકાવી શકાય.
કોલ્ડ્રિફ કફ સિરપથી થયેલાં મૃત્યુનો મામલો
મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં 22 બાળકોના મોત થયા હતા, જેમાંથી દરેકે Coldrif કફ સિરપનું સેવન કર્યું હતું. આ ઘટના પછી આરોગ્ય વિભાગે તાત્કાલિક કડક કાર્યવાહી કરી અને કેસની તપાસ માટે SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી. તપાસના પ્રારંભિક પરિણામોમાં જાણવા મળ્યું કે Coldrif કફ સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલ (DEG) વધુ માત્રામાં હાજર હતું. DEG એક ઝેરી રસાયણ છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે.
કંપનીના માલિક રંગનાથનની 9 ઑક્ટોબરે મધ્યપ્રદેશ SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમિલનાડુ પોલીસે ઔપચારિક રીતે તેને કસ્ટડીમાં લીધો. કોર્ટે તેમને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ સાથે જ, રાજ્ય સરકારે બે વરિષ્ઠ ડ્રગ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે, જેમની કથિત બેદરકારીને કારણે આ મામલો ગંભીર બન્યો હતો. આરોગ્ય વિભાગ અનુસાર, તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
તમિલનાડુ સરકારનું કડક વલણ
તમિલનાડુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે શ્રીસન ફાર્માસ્યુટિકલનો પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યની અન્ય દવા કંપનીઓની પણ તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે કોઈપણ કંપની દ્વારા કોડીનયુક્ત અથવા અન્ય શેડ્યૂલ દવાઓનું ઉત્પાદન કરતી વખતે કડક ગુણવત્તા તપાસ અને દેખરેખ ફરજિયાત રહેશે. હવે દવાઓનો સ્ટોક, ઉત્પાદન અને વેચાણ બધું જ સરકારી દેખરેખ હેઠળ રહેશે.