ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે 470 બાઉન્ડ્રી મારીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, જેમાં 422 ચોગ્ગા અને 48 છગ્ગાનો સમાવેશ થાય છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. આ શ્રેણીમાં, 12 ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
રેકોર્ડ: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ બેટિંગ આક્રમણ ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું છે. ભારતીય બેટ્સમેનોએ આ શ્રેણીમાં કુલ 470 બાઉન્ડ્રી મારીને માત્ર રન બનાવવાનો રેકોર્ડ જ નથી બનાવ્યો, પરંતુ એક એવો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે જેને તોડવો કોઈપણ ટીમ માટે સરળ નહીં હોય.
બાઉન્ડ્રીનો વરસાદ, રેકોર્ડની ભેટ
ભારતીય બેટ્સમેનોએ આ શ્રેણીમાં કુલ 422 ચોગ્ગા અને 48 છગ્ગા ફટકાર્યા. આમ, ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણીમાં કુલ 470 બાઉન્ડ્રી ફટકારીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જેણે 1993ની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે 460 બાઉન્ડ્રી (451 ચોગ્ગા અને 9 છગ્ગા) ફટકારી હતી. આ પહેલીવાર છે કે ભારતે એક જ ટેસ્ટ શ્રેણીમાં 400થી વધુ બાઉન્ડ્રી મારવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલા 1964માં ભારતે એક શ્રેણીમાં 384 બાઉન્ડ્રી ફટકારી હતી, જે તે સમયે એક મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી. પરંતુ આ વખતનાં પ્રદર્શને જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ચોગ્ગા અને છગ્ગામાં છુપાયેલી રણનીતિનું રહસ્ય
આ શ્રેણીમાં ભારતની આક્રમક બેટિંગ વ્યૂહરચના સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. ભારતીય બેટ્સમેનોએ માત્ર ટેકનિકલ રીતે જ અંગ્રેજ બોલરોને પાછળ નથી છોડ્યા, પરંતુ માનસિક રીતે પણ તેમને થકવી દીધા હતા. દરેક સેશનમાં વારંવાર બાઉન્ડ્રી એ વાતનો સંકેત હતો કે ટીમ ઈન્ડિયાએ અંગ્રેજી પરિસ્થિતિઓને ખૂબ જ સારી રીતે સમજી લીધી હતી અને તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો હતો. ખાસ કરીને શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓએ બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવામાં કોઈ કસર છોડી ન હતી. એજબેસ્ટન ટેસ્ટમાં ગિલની 269 રનની ઇનિંગમાં 34 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે, જેણે આ રેકોર્ડનો પાયો નાખ્યો હતો.
12 ભારતીય સદીવીરોનો પણ રેકોર્ડ
બાઉન્ડ્રીની સાથે, ભારતનાં નામે વધુ એક રેકોર્ડ નોંધાયો – ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ ખેલાડીઓ દ્વારા સદી ફટકારવાનો રેકોર્ડ. આ શ્રેણીમાં કુલ 12 ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ પહેલાં, માત્ર ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ જ આ સિદ્ધિ મેળવી હતી. આ 12 સદીઓમાં યશસ્વી જયસ્વાલ, શુભમન, રવિન્દ્ર જાડેજા, કે.એલ. રાહુલ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદરની સદીઓનો સમાવેશ થાય છે. આ ભારતની બેટિંગની ઊંડાઈ અને સાતત્ય દર્શાવે છે.
ઓવલ ટેસ્ટમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો
શ્રેણીની છેલ્લી ટેસ્ટ, જે ઓવલ ખાતે રમાઈ હતી, તેમાં ભારતની બેટિંગ શક્તિ અકબંધ રહી હતી. બીજી ઇનિંગમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. યશસ્વી જયસ્વાલે આ ઇનિંગમાં 118 રનની શાનદાર સદી ફટકારી હતી. તેની સાથે આકાશ દીપે પણ 66 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પણ 53-53 રન બનાવ્યા હતા અને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ત્રીજા દિવસ સુધીમાં ઇંગ્લેન્ડની ટીમે 1 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા અને તેમને જીતવા માટે હજુ પણ 324 રનની જરૂર હતી.
ઇતિહાસમાં ભારતનું નામ અંકિત
470 બાઉન્ડ્રી ફટકારીને ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ આક્રમક અને આધુનિક અભિગમ સાથે રમનારી ટીમ બની ગઈ છે. આ રેકોર્ડ માત્ર એક આંકડો નથી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે એક નવા યુગની ઘોષણા છે – જ્યાં આક્રમકતા અને ધૈર્યનું સંતુલન જોવા મળે છે.