માઇક્રોસોફ્ટે હજારો યુઝર્સને નિશાન બનાવતા QR કોડ ફિશિંગ સ્કેમ અંગે ચેતવણી આપી

માઇક્રોસોફ્ટે QR કોડ ફિશિંગ સ્કેમમાં વધારા અંગે ચેતવણી આપી છે, જેમાં નકલી ઇમેઇલ અને ફેક લોગિન પેજ દ્વારા પાસવર્ડ, સેશન ટોકન અને સંવેદનશીલ માહિતી ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે 13,000 કંપનીઓના 35,000થી વધુ યુઝર્સને નિશાન બનાવવામાં

માઇક્રોસોફ્ટે QR કોડ ફિશિંગ સ્કેમમાં વધારા અંગે નવી ચેતવણી જાહેર કરી છે, જેમાં હેકર્સ નકલી ઇમેઇલ અને ફ્રોડ લોગિન પેજ દ્વારા યુઝર્સની લોગિન વિગતો અને સંવેદનશીલ ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માઇક્રોસોફ્ટના સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પ્રોફેશનલ દેખાતા નકલી ઇમેઇલ અને PDF ફાઇલોના માધ્યમથી QR કોડ દ્વારા યુઝર્સને ફેક લોગિન પેજ પર મોકલી રહ્યા છે. આ સ્કેમ્સનો ઉપયોગ પાસવર્ડ, એકાઉન્ટ ઍક્સેસ અને અન્ય સંવેદનશીલ માહિતી મેળવવા માટે થઈ રહ્યો છે.

માઇક્રોસોફ્ટે જણાવ્યું કે સાયબર ગુનેગારો ઇમેઇલમાં QR કોડ મોકલીને લોકોને ફ્રોડ વેબસાઇટ્સ સુધી પહોંચાડી રહ્યા છે. આ ઇમેઇલ ઘણી વખત HR વિભાગ, IT સપોર્ટ અથવા કંપની મેનેજમેન્ટ તરફથી આવેલા સત્તાવાર સંદેશા જેવા દેખાય છે.

ઇમેઇલમાં એકાઉન્ટ બ્લોક થવું, સુરક્ષા અપડેટ અથવા ફરજિયાત કંપ્લાયન્સ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને યુઝર્સ પર તરત કાર્યવાહી કરવાનો દબાણ બનાવવામાં આવે છે. યુઝર QR કોડ સ્કેન કરતા જ તેને નકલી લોગિન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે, જ્યાં તેની લોગિન વિગતો ચોરી થઈ શકે છે.

માઇક્રોસોફ્ટના સુરક્ષા સંશોધકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 13,000 કંપનીઓના 35,000થી વધુ યુઝર્સ આવા સ્કેમ્સનો નિશાન બન્યા છે. હુમલાખોરો માત્ર પાસવર્ડ જ નહીં પરંતુ સેશન ટોકન અને અન્ય સંવેદનશીલ માહિતી મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

કંપનીએ જણાવ્યું કે કેટલાક કેસોમાં ટૂ-સ્ટેપ વેરિફિકેશન સક્રિય હોવા છતાં એકાઉન્ટ ઍક્સેસ થવાની શક્યતા સામે આવી છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, QR કોડ સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવતા હોવાથી ઘણા યુઝર્સ ચકાસણી કર્યા વગર તેને સ્કેન કરી લે છે, જેના કારણે આવા સ્કેમ્સ ઝડપથી ફેલાઈ રહ્યા છે.

સાયબર સુરક્ષા નિષ્ણાતોએ યુઝર્સને અજાણી ઇમેઇલ અથવા મેસેજમાં મળેલા QR કોડ સ્કેન ન કરવાની સલાહ આપી છે. કોઈપણ લોગિન પેજ અથવા લિંક ખોલતા પહેલાં મોકલનારની ઓળખ ચકાસવાની તેમજ તાત્કાલિક કાર્યવાહી માટે દબાણ અથવા ભય ઊભો કરતા ઇમેઇલથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

નિષ્ણાતોએ ફોન અને સિસ્ટમને નિયમિત રીતે અપડેટ રાખવાની તેમજ તમામ મહત્વપૂર્ણ એકાઉન્ટમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય રાખવાની ભલામણ પણ કરી છે.

જો કોઈ શંકાસ્પદ QR કોડ સ્કેન થઈ ગયો હોય તો તરત જ ઇન્ટરનેટ કનેક્શન બંધ કરવા, પાસવર્ડ બદલવા અને એકાઉન્ટ એક્ટિવિટી તપાસવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જરૂર પડે તો અસરગ્રસ્ત ડિવાઇસને ફેક્ટરી રીસેટ કરવું પણ સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

Leave a comment