હોલીવુડમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને કોમેડિયન માર્ટિન શોર્ટની 42 વર્ષની પુત્રી કેથરીન શોર્ટએ લોસ એન્જેલિસના હોલીવુડ હિલ્સ સ્થિત પોતાના નિવાસસ્થાને ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
‘લૉસ એન્જેલિસ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, સોમવાર સાંજે અંદાજે 6 વાગ્યે હોલીવુડ હિલ્સ સ્થિત તેમના ઘરમાંથી પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ Los Angeles Police Department અને લોસ એન્જેલિસ ફાયર ડિપાર્ટમેન્ટની તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન પુષ્ટિ થઈ હતી કે કેથરીને ગોળી મારીને પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું.
કેથરીન શોર્ટનું નિધન 42 વર્ષની વયે થયું હતું. તેમણે પોતાના પિતાની જેમ અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવી નહોતી. તેના બદલે તેઓ સમાજ સેવા અને માનસિક આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત હતા.

કેથરીન શોર્ટ એક સોશિયલ વર્કર હતા અને માનસિક આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત હતા. તેઓ પોતાનું ક્લિનિક ચલાવતા હતા. ઉપરાંત તેઓ ‘અમે હેલ્થ’ (Amae Health) નામના આઉટપેશન્ટ ક્લિનિકમાં પાર્ટ-ટાઇમ કામ કરતા હતા, જે માનસિક આરોગ્ય નિષ્ણાતો દ્વારા સંચાલિત છે. તેમણે માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે કામ કર્યું હતું.
કેથરીન શોર્ટના નિધન બાદ તેમના પિતા માર્ટિન શોર્ટ અને પરિવારે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં જણાવ્યું હતું કે, “અત્યંત દુઃખ સાથે અમે કેથરીન હાર્ટલી શોર્ટના નિધનની પુષ્ટિ કરીએ છીએ. શોર્ટ પરિવાર આ નુકસાનથી સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે. આ મુશ્કેલ સમયમાં અમને થોડું ગોપનીયતા આપશો. કેથરીન સૌની પ્રિય હતી અને તેમના ખુશમિજાજ સ્વભાવને હંમેશા યાદ કરવામાં આવશે.”
કેથરીન શોર્ટના નિધન બાદ હોલીવુડ ઉદ્યોગ અને તેમના પ્રશંસકોમાં શોકની લાગણી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.









