પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ અને ભારે વિદેશી કર્જના દબાણ વચ્ચે લગભગ 50 વર્ષ બાદ ફરીથી દારૂ અને આલ્કોહોલિક પીણાંના નિકાસ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે. આ પગલું સરકારની વધતી નાણાકીય જરૂરિયાતો અને વિદેશી ચલણ ભંડાર મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનની એકમાત્ર સ્થાનિક દારૂ ઉત્પાદક કંપની મરી બ્રૂઅરીએ એપ્રિલ 2026 દરમિયાન યુનાઇટેડ કિંગડમ, જાપાન, પોર્ટુગલ અને થાઇલેન્ડ સહિતના દેશોમાં બિયર અને અન્ય આલ્કોહોલિક ઉત્પાદનોની નિકાસ શરૂ કરી છે.
કંપનીના એક્સપોર્ટ મેનેજર રમીઝ શાહના જણાવ્યા મુજબ, શરૂઆતના તબક્કામાં વિદેશી બજારોમાં નેટવર્ક મજબૂત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ધીમે ધીમે ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના છે. કંપની લાંબા સમયથી જ્યૂસ, મિનરલ વોટર અને ફ્લેવર્ડ ડ્રિંક્સ જેવા નોન-આલ્કોહોલિક ઉત્પાદનોની નિકાસ કરતી હતી.
ગયા નાણાકીય વર્ષ દરમિયાન મરી બ્રૂઅરીની કુલ આવક અંદાજે 100 મિલિયન ડોલર રહી હતી, જે પાકિસ્તાની રૂપિયામાં અંદાજે 28 અબજ જેટલી થાય છે.
પ્રારંભિક તબક્કામાં પાકિસ્તાનમાંથી આલ્કોહોલિક ઉત્પાદનો એવા દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે જે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ના સભ્ય નથી. તેમાં મુખ્યત્વે યુનાઇટેડ કિંગડમ, જાપાન, પોર્ટુગલ અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. કંપનીનો હેતુ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની હાજરી મજબૂત કરવાનો અને વિદેશી ચલણ આવક વધારવાનો છે.
અહેવાલો મુજબ, પાકિસ્તાન સરકારે 2025માં દારૂની નિકાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ મરી બ્રૂઅરીને ફરીથી વિદેશી બજારોમાં પ્રવેશ મળ્યો. તે પહેલાં દેશમાં દાયકાઓથી દારૂની નિકાસ પર પ્રતિબંધ લાગુ હતો.
આ નીતિ પરિવર્તન એવા સમયમાં આવ્યું છે જ્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને વિદેશી રોકાણ તથા નિકાસ આવકની જરૂર છે.
સરકારી આંકડાઓ મુજબ, પાકિસ્તાન પર હાલમાં અંદાજે 138 અબજ ડોલરનું કુલ વિદેશી કર્જ છે. તેમાં સરકારી કર્જનો હિસ્સો લગભગ 92 અબજ ડોલર છે. દેશની વાર્ષિક આવક અંદાજે 40 અબજ ડોલર છે જ્યારે વાર્ષિક ખર્ચ લગભગ 58 અબજ ડોલર સુધી પહોંચે છે. અંદાજ મુજબ, લગભગ 30 અબજ ડોલર માત્ર કર્જના વ્યાજની ચુકવણીમાં જ ખર્ચાય છે.
![]()
પાકિસ્તાનમાં દારૂ પર પ્રતિબંધની શરૂઆત 1977માં થઈ હતી, જ્યારે તે સમયના વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટોએ દેશમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમય દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતા અને વિરોધ પ્રદર્શન વધી રહ્યા હતા.
ત્યારબાદ 1977માં જ સૈન્ય શાસક જનરલ જિયા ઉલ હકે સત્તા સંભાળી અને આ નીતિને વધુ કડક બનાવી. તેમણે ઇસ્લામિક કાયદા હેઠળ દારૂને સંપૂર્ણ પ્રતિબંધિત જાહેર કર્યું, જેમાં મુસ્લિમો માટે તેનો ઉપયોગ અને વેચાણ બંને ગેરકાયદેસર બન્યા. જોકે ગેર-મુસ્લિમ નાગરિકો અને વિદેશી નાગરિકો માટે મર્યાદિત લાઇસન્સ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી હતી.
1999થી 2008 દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફના શાસનકાળમાં આ કાયદાના અમલીકરણમાં કેટલાક પ્રમાણમાં છૂટછાટ જોવા મળી હતી. જોકે ઔપચારિક રીતે પ્રતિબંધ હટાવવામાં આવ્યો નહોતો, પરંતુ નિયંત્રણો તુલનાત્મક રીતે ઓછા થયા હતા.
આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર દારૂ બજાર અને તસ્કરીમાં વધારો થયો હતો, જેના કારણે સરકારે આવકમાં નુકસાન અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાક નિષ્ણાતોના મતે, પાકિસ્તાનનું વર્તમાન પગલું સંપૂર્ણપણે આર્થિક જરૂરિયાતોથી પ્રેરિત છે. વિદેશી ચલણ ભંડારમાં ઘટાડો, વધતું કર્જ, રાજકોષીય ખાધ અને આવક-ખર્ચ વચ્ચેનું અસંતુલન સરકારે નવા આવક સ્ત્રોતોની શોધ તરફ ધકેલ્યા છે.
આ નિર્ણયને લઈને પાકિસ્તાનમાં ફરીથી સામાજિક અને ધાર્મિક ચર્ચા તેજ બની છે. ધાર્મિક સંગઠનોનું કહેવું છે કે દારૂ પરના પ્રતિબંધને નબળો બનાવવો ઇસ્લામિક મૂલ્યોના વિરુદ્ધ છે.
બીજી તરફ કેટલાક આર્થિક નિષ્ણાતો અને વિશ્લેષકોનું માનવું છે કે પ્રતિબંધો છતાં દેશમાં ગેરકાયદેસર દારૂનું બજાર સતત અસ્તિત્વમાં રહ્યું છે, જેના કારણે ન તો વપરાશ અટક્યો અને ન સામાજિક સમસ્યાઓમાં ઘટાડો થયો.
અહેવાલો મુજબ, કડક પ્રતિબંધ હોવા છતાં પાકિસ્તાનમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેપારમાં વધારો થયો હતો. ઝેરી દારૂના કારણે મૃત્યુના બનાવો પણ અનેક વખત સામે આવ્યા છે.
કેટલાક અભ્યાસો અનુસાર, 1970ના દાયકાના પછી દેશમાં નશાની લતના સ્વરૂપમાં ફેરફાર આવ્યો હતો અને ઘણા લોકો હેરોઇન જેવા વધુ જોખમી ડ્રગ્સ તરફ વળ્યા હતા.










