ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રાજસ્થાન રોયલ્સ હવે સંપૂર્ણ માલિકી પરિવર્તન બાદ નવી માલિકીના નિયંત્રણમાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન બિઝનેસમેન કલ સોમાનીના નેતૃત્વવાળા સમૂહે ફ્રેન્ચાઇઝીની 100 ટકા હિસ્સેદારી ખરીદી છે, જેની કિંમત આશરે 1.63 બિલિયન અમેરિકન ડોલર (લગભગ ₹15,286 કરોડ) છે.
કલ સોમાનીના નેતૃત્વમાં ઇન્ટ્રાએજ, અકાડેમિયન અને Truyo.ai જેવી કંપનીઓ સાથે સંકળાયેલા સમૂહે રાજસ્થાન રોયલ્સનું અધિગ્રહણ કર્યું છે. આ સમૂહને અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટનનો પણ આધાર પ્રાપ્ત છે, જે વોલમાર્ટ પરિવાર સાથે જોડાયેલા છે. કલ સોમાની 2021થી રાજસ્થાન રોયલ્સમાં હિસ્સેદાર રહ્યા છે. આ નવા કરાર બાદ IPL 2026થી ટીમનું સંપૂર્ણ સંચાલન નવા માલિકોના હાથમાં રહેશે.
રિપોર્ટ્સ મુજબ, આ કરાર IPLના ઇતિહાસમાં સૌથી મોટી વેચાણ ડીલ તરીકે નોંધાયો છે. આ ડીલ બાદ રાજસ્થાન રોયલ્સ IPLની સૌથી મોંઘી ટીમ બની છે. અગાઉ ટીમમાં સૌથી મોટી હિસ્સેદારી મનોજ બડાલે પાસે હતી. રિપોર્ટ્સ અનુસાર, કોલંબિયા પેસિફિક કેપિટલ પાર્ટનર્સે પણ $1.7 બિલિયનનું પ્રસ્તાવ આપ્યું હતું, પરંતુ અમલીકરણ સંબંધિત સમસ્યાઓને કારણે તે ઓફર નકારી દેવામાં આવી હતી.
![]()
IPL 2026માં રાજસ્થાન રોયલ્સની કપ્તાની રિયાન પરાગ કરશે. અગાઉના સીઝનમાં ટીમના કપ્તાન સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયા છે. ટીમમાં સેમ કરન ઈજાના કારણે બહાર છે, જ્યારે રવિન્દ્ર જાડેજા સંજુ સેમસનના ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન ટીમમાં સામેલ થયા છે.
રાજસ્થાન રોયલ્સે છેલ્લા વર્ષોમાં પોતાની ટીમ રચના અને વ્યૂહાત્મક નિર્ણયોથી IPLમાં સ્પર્ધાત્મકતા જાળવી રાખી છે. નવા માલિકોના આગમન બાદ ટીમની આવક, બ્રાન્ડ મૂલ્ય અને વૈશ્વિક વિસ્તરણમાં વધારો થવાની અપેક્ષા દર્શાવવામાં આવી રહી છે.
રાજસ્થાન રોયલ્સની આ મોટી ડીલ બાદ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની સંભવિત વેચાણ અંગે ચર્ચા તેજ થઈ છે. અંદાજ મુજબ RCBની વેચાણ કિંમત $2 બિલિયનથી વધુ હોઈ શકે છે.











