આપણે ઘણીવાર કહીએ છીએ ને કે, આવી ફિલ્મો કેમ નથી બનતી જે દિલને સ્પર્શી જાય, જેની યાદ વર્ષો સુધી રહે? તો સાહેબ, અનુરાગ બાસુએ એક એવી જ માસ્ટરપીસ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પણ હીલિંગનું કામ કરશે.
- Review: Metro In Dino
- તારીખ: 04-07-25
- ભાષા: હિન્દી
- Director: અનુરાગ બાસુ
- Starring: સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન, નીના ગુપ્તા, અનુપમ ખેર, અલી ફઝલ અને ફાતિમા સના શેખ
- Platform: સિનેમાઘર
- રેટિંગ: 4/5
Metro In Dino: જો તમે પણ એ દર્શકોમાંથી એક છો કે જે સિનેમામાં સંવેદનાઓ, સંબંધો અને ઊંડાણને મિસ કરી રહ્યા હતા, તો અનુરાગ બાસુની ‘મેટ્રો ઈન દિનો’ તમારા માટે કોઈ ટ્રીટમેન્ટથી ઓછી નથી. 4 જુલાઈના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું રિવ્યુ જોઈને કહી શકાય છે કે આ ફિલ્મ તમને ફક્ત એન્ટરટેઇન જ નથી કરતી, પણ અંદરથી રાહત પણ આપે છે. અનુરાગ બાસુએ ફરી એકવાર સાબિત કરી દીધું કે માનવીય લાગણીઓ અને જટિલ સંબંધોને પડદા પર ઉતારવામાં તેમનો કોઈ જવાબ નથી.
વાર્તામાં અનેક સ્તરો, દરેક સંબંધનું સત્ય સામે
ફિલ્મમાં એકસાથે ઘણી વાર્તાઓને ગૂંથી છે, જે એકબીજાથી અલગ હોવા છતાં ક્યાંકને ક્યાંક દિલથી જોડાયેલી છે. પંકજ ત્રિપાઠી અને કોંકણા સેન શર્માનું પાત્ર લગ્નના વર્ષો પછી કંટાળાથી ઝઝૂમી રહ્યું છે. તેમની દીકરી પોતાની જાતીય ઓળખને લઈને સવાલોથી ઘેરાયેલી છે. તો બીજી તરફ અલી ફઝલ અને ફાતિમા સના શેખ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં કરિયર અને પ્રેમની ખેંચતાણમાં પરેશાન છે. આદિત્ય રોય કપૂરનું મસ્તમૌલા પાત્ર, પહેલાથી જ તૂટેલા દિલ સાથે જીવી રહેલી સારા અલી ખાનના જીવનમાં ખળભળાટ લાવે છે.
નીના ગુપ્તા અને અનુપમ ખેરની જોડી પણ વાર્તામાં અગત્યનો રંગ ભરે છે. નીના ગુપ્તા, જે પોતાની દીકરીઓની મુશ્કેલીઓમાં ફસાયેલી છે, અચાનક સ્કૂલના જૂના મિત્ર અનુપમ ખેર સાથે ટકરાય છે અને ત્યાંથી તેમની વાર્તામાં એક નવો વળાંક આવે છે. આ બધા પાત્રોની વચ્ચે તમે તમારા ઘરના સંબંધો, તમારી મુશ્કેલીઓ અને તમારી આશાઓને ઓળખી શકશો.
ફિલ્મની ટ્રીટમેન્ટ અને સંદેશ
‘મેટ્રો ઈન દિનો’ ફક્ત સંબંધોની મુશ્કેલીઓ જ નથી બતાવતી, પણ તેમને ઉકેલવાનો પ્રયત્ન પણ કરે છે. ફિલ્મ કોઈ પ્રકારનું પ્રવચન નથી આપતી, પરંતુ તેમ છતાં દરેક વાર્તામાં તમે પોતાને સુધારવાની અને સંબંધોને સંવારવાની પ્રેરણા મેળવશો. ફર્સ્ટ હાફમાં વાર્તા શાનદાર રીતે વહે છે, ઘણાં દ્રશ્યો તમારા દિલને સ્પર્શે છે. સેકન્ડ હાફ થોડો ધીમો જરૂર લાગે છે, પરંતુ ત્યાં પણ ફિલ્મ તેના ટ્રેકથી ભટકતી નથી.
અભિનયનો જાદુ
ફિલ્મની અસલી તાકાત તેની કાસ્ટ છે. પંકજ ત્રિપાઠી પોતાના અભિનયથી દિલ જીતી લે છે. કોંકણા સેન શર્મા પોતાના પાત્રમાં બેમિસાલ છે. નીના ગુપ્તા ફરી એકવાર સાબિત કરે છે કે ઉંમર કોઈ બંધન નથી. અનુપમ ખેરની સાદગી અને અનુભવ તમને ઇમોશનલ કરી દેશે. આદિત્ય રોય કપૂર અને અલી ફઝલે પોતાના ભાગના રોલમાં જાન નાખી દીધી છે, જ્યારે ફાતિમા સના શેખ પણ દિલને સ્પર્શી જાય છે. સારા અલી ખાનનો રોલ સીમિત છે, પરંતુ તેણે ખૂબ સારી રીતે નિભાવ્યો છે.
અનુરાગ બાસુ જ આ ફિલ્મના અસલી હીરો છે. આટલા બધા પાત્રો, આટલા બધા કોન્ફ્લિક્ટને જે સુંદરતાથી તેમણે એકસાથે ગૂંથ્યા છે, તે તેમના સિવાય કોઈના બસની વાત નથી. તેમની વાર્તાઓમાં જે માનવીય સંવેદના હોય છે, તે જ તેને ખાસ બનાવે છે. દરેક દ્રશ્યમાં તેમની બારીકાઈથી કરેલી મહેનત ઝલકે છે. પ્રીતમનું સંગીત આ ફિલ્મની રુહ બનીને સામે આવે છે. ગીતો માત્ર મનોરંજનનો ભાગ નથી, પણ વાર્તાને આગળ વધારે છે અને પાત્રોની લાગણીઓને વધુ ઊંડાણથી જોડે છે.
આ ફિલ્મ શા માટે જોવી જોઈએ?
જો તમે એક એવી ફિલ્મ ઈચ્છો છો, જે તમને વિચારવા મજબૂર કરે, દિલને રાહત આપે અને સંબંધોની કદર કરવાનું શીખવે, તો ‘મેટ્રો ઈન દિનો’ જરૂર જુઓ. અનુરાગ બાસુનું આ સિનેમા તમને યાદ રહેશે, બરાબર એ જ રીતે જે રીતે કોઈ સુંદર કવિતા દિલમાં જગ્યા બનાવી લે છે.