સોશિયલ મીડિયા પર મરાઠી અભિનેત્રી ગિરિજા ઓકની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. બ્લુ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં તેમની એક તસવીરે લોકોમાં જબરદસ્ત ચર્ચા અને ઉત્સુકતા જગાવી છે.
Girija Oak: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X (ટ્વિટર)’ પર હાલમાં એક સુંદર મહિલાની બ્લુ સાડીવાળી તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. યુઝર્સ પૂછી રહ્યા છે — “આ કોણ છે?” સાદગી અને શાલીનતાથી ભરેલી આ તસવીરે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. લાખો લોકો તેમની ઓળખ જાણવા માટે ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ પર શોધી રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે આ અન્ય કોઈ નહીં પણ મરાઠી સિનેમાના જાણીતા અભિનેત્રી ગિરિજા ઓક (Girija Oak) છે, જે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે.
કોણ છે ગિરિજા ઓક?
ગિરિજા ઓક ગોડબોલે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેત્રી છે, જેમણે પોતાની નેચરલ એક્ટિંગ અને સાદગીભર્યા અંદાજથી દર્શકોના દિલ જીત્યા છે. તેમનો જન્મ 27 ડિસેમ્બર 1987 ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ મરાઠીના જાણીતા અભિનેતા ગિરીશ ઓકની દીકરી છે. ગિરિજાએ ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈમાંથી બાયોટેક્નોલોજીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે બિઝનેસ મેનેજમેન્ટ અને થિયેટર વર્કશોપ્સમાં પણ તાલીમ લીધી. 2011 માં તેમણે ફિલ્મ પ્રોડ્યુસર સુહ્રદ ગોડબોલે સાથે લગ્ન કર્યા, જે ઘણા મરાઠી ફિલ્મોના નિર્માતા રહી ચૂક્યા છે.
ગિરિજા ઓકે પોતાના અભિનય કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી અને ધીમે ધીમે ટીવી અને ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો. હિન્દી સિનેમામાં તેમને આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ (2007) થી ઓળખ મળી, જેમાં તેમણે એક શિક્ષિકાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે ‘શોર ઇન ધ સિટી’ (2010) માં કામ કર્યું, જ્યાં તેમના અભિનયને વિવેચકોએ વખાણ્યો હતો.

તાજેતરમાં તેઓ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘જવાન’ (2023) માં પણ જોવા મળ્યા હતા, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2024 માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર જેન્ડે’ માં તેમણે ઉત્તમ અભિનય દર્શાવ્યો, જેમાં તેમણે મનોજ બાજપેયીની પત્નીની ભૂમિકા ભજવી. આ પાત્રે તેમને રાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ અપાવી.
બ્લુ સાડીવાળી તસવીરથી સોશિયલ મીડિયા પર છવાઈ
તાજેતરમાં ગિરિજાનો એક વીડિયો ઇન્ટરવ્યુ વાયરલ થયો, જેમાં તેઓ બ્લુ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં જોવા મળી રહ્યા હતા. આ ક્લિપ એક હિન્દી યુટ્યુબ ચેનલ પર તેમના ઇન્ટરવ્યુનો ભાગ હતી. તેમના સાદગીભર્યા લુક, શાલીન એક્સપ્રેશન અને આત્મવિશ્વાસભર્યા હાવભાવે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ વીડિયો વાયરલ થતાં જ ટ્વિટર પર તેમનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું. ઘણા લોકોએ લખ્યું, આ સુંદર મહિલા કોણ છે? તેમનો ગ્રેસ અને સાદગી સાઉથની અભિનેત્રીઓને પણ માત આપી રહી છે.
થોડા જ કલાકોમાં તેમનો વીડિયો લાખો વ્યૂઝ પાર કરી ગયો અને ‘Girija Oak’ ટ્વિટર (X) પર ટોપ ટ્રેન્ડમાં આવી ગયું. ગિરિજા ઓકે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ મરાઠી સિનેમામાં પણ ઘણા હિટ પ્રોજેક્ટ્સ આપ્યા છે. તેમણે ટીવી શો ‘લખલખિત જગ ભર’, ‘હ્યા ગોઝિરવન્યા ઘરાત’ અને ફિલ્મો ‘જોજો’, ‘કાકણ’, ‘મુલગી ઝાલી હો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ખાસિયત એ છે કે તેઓ દરેક પાત્રમાં ઊંડાણ અને સાદગી લાવે છે — ભલે તે એક કોર્પોરેટ વુમન હોય, એક ગૃહિણી હોય કે એક સશક્ત સ્વતંત્ર મહિલા.
ગિરિજાની આ વાયરલ તસવીર તેમની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ લઈ આવી છે. હવે તેઓ માત્ર મરાઠી દર્શકો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ સમગ્ર ભારતમાં ઓળખ બનાવી રહ્યા છે.








